બજેટ-૨૦૧૯: મોદી સરકારની સમાજલક્ષી યોજનાઓ

નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારે આ વખતના બજેટમાં ડિજિટલ ઇન્ડિયાના અદ્યતન કાર્યક્રમની સાથે સાથે સમાજનો વિકાસ થાય એવી અનેક યોજનાઓ અને જોગવાઇઓનો સમાવેશ કર્યો છે. તેમાંની કેટલીક મહત્વપૂર્ણ જોગવાઈઓ આ પ્રમાણે છેઃ

મહિલા વેપાર સાહસિકોને પ્રોત્સાહન

મહિલાઓમાં વેપાર સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે મહિલાઓ દ્વારા સંચાલિત સેલ્ફ હેલ્પ ગ્રુપ માટેનો ઇન્ટરેસ્ટ સબવેન્શન પ્રોગ્રામ હવે દેશમાં તમામ જિલ્લાઓમાં લાગુ કરવામાં આવશે. આ ગ્રુપની દરેક મહિલા સભ્યનું, જેનું જનધન બેન્ક એકાઉન્ટ હશે તેને દરેકને 5,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવશે. દરેક સેલ્ફ હેલ્પ ગ્રુપની એક મહિલા સભ્ય સભ્યને મુદ્રા યોજના હેઠળ એક લાખ રૂપિયા સુધીની લોન મળી શકશે. આ યોજનાને નારી તું નારાયણી એવું નામ આપવામાં આવ્યું છે.

ગાંવગરીબ અને કિસાન કેન્દ્રમાં 

ગામડાં તરફ જોવાની મહાત્મા ગાંધીની વિચારધારાનો ઉલ્લેખ કરીને તેમની 150મી જન્મજયંતી નિમિત્તે આ વર્ષના બજેટમાં ગાંવ, ગરીબ અને કિસાનને કેન્દ્રમાં રાખવાનું નક્કી કરાયું છે. 2022 સુધીમાં દેશમાં દરેક ગ્રામીણ પરિવારને વીજજોડાણ મળી જશે, એમ કહેતાં નાણાપ્રધાને ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1.5 કરોડ ગ્રામીણ ઘર બની ગયાં છે. વર્ષ 2022 સુધીમાં બીજાં 1.95 કરોડ ઘર બનાવાશે. તેમાં શૌચાલય, વીજળી અને રાંધણ ગેસ જેવી સુવિધા હશે.

જળ મંત્રાલય જળસ્રોત વ્યવસ્થાપન અને જળ પુરવઠા પર લક્ષ આપશે. વર્ષ 2024 સુધીમાં દરેક ગ્રામીણ ઘરને પાણીપુરવઠો મળશે. ગામોની સાથે શહેરોનો પણ વિકાસ.

કામની નજીક ઘર હોય તથા આવશ્યક સેવાઓ બધાને મળે એવી સ્થિતિ લાવવાનું લક્ષ્ય. 95 ટકા શહેરોમાં હવે ખુલ્લામાં શૌચક્રિયા કરવાનું બંધ થયું છે. સરકારે જાહેર કર્યા મુજબ કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વ્યાપક રોકાણ કરાશે.