મહારાષ્ટ્રમાં હવે પછીના મુખ્ય પ્રધાન શિવસેનાનાં હશેઃ ‘સામના’ દૈનિકમાં ઘોષણા

મુંબઈ – મહારાષ્ટ્રમાં શાસક ભાગીદાર પક્ષો – ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે ફરી ઘર્ષણ થઈ શકે છે, કારણ કે શિવસેનાનાં મુખપત્ર સામના અખબારમાં એવી ઘોષણા કરવામાં આવી છે કે રાજ્યમાં હવે પછીના મુખ્ય પ્રધાન શિવસેનાનાં હશે.

સામના દૈનિકના તંત્રીલેખમાં શિવસેનાએ કહ્યું છે કે અમે ભાજપ સાથે યુતિ-જોડાણમાં છીએ એ વાત ખરી, પણ અમારી પાર્ટીની પોતાની પણ એક પદ્ધતિ છે.

તંત્રીલેખમાં લખ્યું છે કે, શિવસેના પક્ષ એક સંકલ્પ સાથે આગળ વધે છે. અમે પ્રતિજ્ઞા લીધી છે કે વિધાનસભાને અમે ભગવા રંગથી રંગી દઈશું. પક્ષના 54મા સ્થાપના દિને શિવસેનાનાં સભ્ય મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનશે.

તંત્રીલેખમાં એવો દાવો કરાયો છે કે મહારાષ્ટ્રમાં શિવસેનાનાં મૂળ મજબૂત થયા છે અને એની ડાળીઓ હવે દિલ્હી સુધી ફેલાઈ છે.

શિવસેના પક્ષ અનુસાર, પક્ષનો આત્મા રહ્યો છે આંદોલનો, સત્તાના અધિકારોની મજા માણવાનો નહીં. સમાજની દરકારને કારણે શિવસેનાનો વિકાસ થયો છે અને તે હાલની ઊંચાઈ પર પહોંચ્યો છે. બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ પાર્ટી પણ શિવસેનાની ‘ધરતીપુત્ર’ નીતિ પર ચાલે છે. દક્ષિણ ભારતમાં પણ અનેક રાજકીય પક્ષો હવે પ્રાદેશિક ગૌરવનું રાજકારણ રમે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]