મુંબઈ અગ્નિશમન દળના જવાનો પહેરશે નવો ગણવેશ

મુંબઈઃ મુંબઈ અગ્નિશમન દળના જવાનોને ગયા પ્રજાસત્તાક દિને નવો ગણવેશ મળ્યો છે. જેમાં આંતર્રાષ્ટ્રીય પરિમાણોથી સજ્જ હેલ્મેટનો પણ સમાવેશ છે. હવેથી આગ હોલવવા સિવાયના અન્ય બચાવ કાર્ય દરમ્યાન જવાનો આ નવો પહેરવેશ ધારણ કરશે.

મુંબઈ અગ્નિશમન દળના જવાનોને ગઈ 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિને મુંબઈના મેયર વિશ્વનાથ મહાડેશ્વરની ઉપસ્થિતિમાં નવો ગણવેશ સુપરત કરવામાં આવ્યો હતો. દાદરના શિવાજી પાર્કમાં ગણતંત્ર દિન નિમિત્તે પરેડ યોજાઈ હતી. તે દરમ્યાન નવો ગણવેશ પરિધાન કરીને અગ્નિશમન દળના જવાનોએ પરેડમાં ભાગ લીધો હતો.

આગ હોલવવાના કાર્ય દરમ્યાન અગ્નિશમન દળના જવાનો જે ગણવેશ પહેરે છે તે 90,000 રૂપિયાનો છે. આગથી બચાવ માટે આ ગણવેશમાં ત્રિસ્તરીય રચના છે જેના લીધે જવાનો ભીષણ આગ વખતે પણ સારી રીતે કામગીરી પાર પાડી શકે છે.

પરંતુ અગ્નિશમન દળનું 60% જેટલું બચાવ કાર્ય તો આગ હોલવવા ઉપરાંતના અન્ય કાર્યમાં થાય છે. જેમાં અન્ય દુર્ઘટના જેવી કે ઈમારત અથવા ઝાડનું તૂટી પડવું, પૂર જેવી આપત્તિ વગેરે હોય છે. આવા અન્ય બચાવ કાર્ય વખતે જવાનો નવો ગણવેશ ધારણ કરશે. આ જાણકારી અગ્નિશમન દળના પ્રમુખ પ્રભાત રહાંગદળેએ આપી.

નવો ગણવેશ વૂલન જેવા કાપડનો હોવાથી અગાઉના ગણવેશ કરતાં વજનમાં હલકો રહેશે. જેમાં ટીશર્ટનો રંગ સિલ્વર ગ્રે અને એની ઉપર કાળા રંગની બે ઉભી સ્ટ્રાઈપ હશે અને લોઅર્સનો રંગ અગાઉના ગણવેશની જેમ બ્લ્યૂ જ રહેશે. બચાવ કાર્ય દરમ્યાન ચહેરો, આંખ, માથું તેમજ વાળને કોઈ પ્રકારે નુકસાન ન થાય એ માટે આંતર્રાષ્ટ્રીય પરિમાણ પ્રમાણે હેલ્મેટ તૈયાર કરવામાં આવી છે. જૂના બૂટના પ્રમાણમાં નવા બૂટ વજનમાં હલકા રહેશે જેથી ઈમારત પડવા જેવી દુર્ઘટના વખતે ગમે તેવી અડચણોમાં પણ બચાવ કામગીરી સરળ થઈ શકે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]