NDTV ન્યૂઝ ચેનલના સ્થાપક પ્રણય રોય, પત્ની રાધિકાને વિદેશ જતાં અટકાવાયાં

મુંબઈ – NDTV ન્યૂઝ ચેનલના સ્થાપક પ્રણય રોય તથા એમના પત્ની રાધિકાને ભારત છોડી જતાં ગઈ કાલે મુંબઈ એરપોર્ટ પર અટકાવવામાં આવ્યા હતા.

રોય દંપતી પાસે 16 ઓગસ્ટ માટેની ભારત માટેની રિટર્ન ટિકિટ હતી, પરંતુ એમને વિદેશ જતાં રોકી દેવામાં આવ્યા હતા, કારણ કે એમની સામે કથિત ભ્રષ્ટાચાર માટેના કેસમાં સીબીઆઈ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. આ કેસ બે વર્ષ પહેલાં ફાઈલ કરવામાં આવ્યા છે.

આ કેસોને NDTV કંપનીએ નકલી ગણાવ્યા છે અને કહ્યું છે કે તપાસમાં રોય દંપતી સીબીઆઈને સંપૂર્ણપણે સહકાર આપી રહ્યાં છે.

કંપનીએ ટ્વીટ કર્યું છે મૂળભૂત અધિકારોનાં સંપૂર્ણપણે ઉચ્છેદ રૂપે NDTVનાં સ્થાપકો રાધિકા અને પ્રણય રોયને આજે દેશમાંથી બહાર જતાં રોકવામાં આવ્યા હતા.

NDTVનું કહેવું છે તેની પેટાકંપની RRPR દ્વારા ICICI પાસેથી લેવામાં આવેલી એક લોન વિશે સીબીઆઈ એજન્સીએ ભ્રષ્ટાચારને લગતો એક નકલી અને સાવ પાયાવિહોણો કેસ નોંધ્યો છે. કંપનીએ તે લોન વ્યાજ સાથે મુદત પૂરી થાય એ પર્વે જ પૂરેપૂરી ચૂકવી દીધી હતી. તે છતાં તે કેસના આધારે રોય દંપતીને અટકાવવામાં આવ્યા હતા.

NDTVએ કહ્યું છે કે આ પગલું અને મીડિયાનાં માલિકોને ત્યાં પાડવામાં આવેલા દરોડા પ્રચારમાધ્યમો માટે એક ચેતવણી સમાન છે કે અમે કહીએ એ પ્રમાણે કરો.

NDTVએ એક નિવેદનમાં કહ્યું છે કે રાધિકા અને પ્રણય રોય આ કેસની તપાસમાં સંપૂર્ણપણે સહકાર આપી રહ્યાં છે અને તેઓ નિયમિત રીતે વિદેશપ્રવાસે જતાં હોય છે અને પાછાં આવી જતાં હોય છે તેથી તેઓ ભાગી જશે એવું માનવું હાસ્યાસ્પદ છે.