ટ્રાન્સપોર્ટરોની હડતાળને કારણે મુંબઈમાં બટેટાની તંગી

મુંબઈ – ટ્રકમાલિકોની દેશવ્યાપી બેમુદત હડતાળનો આજે ચોથો દિવસ છે. આ હડતાળની રાજ્યોમાં અત્યાર સુધી આંશિક અસર રહી છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાંથી આવતા બટેટાની સપ્લાટ ઘટી ગઈ છે.

મુંબઈમાં શાકભાજીના રિટેલરોનું કહેવું છે કે ઉક્ત બે રાજ્યમાંથી બટેટાની આવક 40 ટકા ઘટી ગઈ છે. એને કારણે હોલસેલ બજારોમાં બટેટાના ભાવમાં પ્રતિ કિલો ત્રણથી ચાર રૂપિયાનો વધારો થયો છે તો રીટેલ બજારોમાં આઠથી દસ રૂપિયા વધી ગયા છે.

નવી મુંબઈના વાશી સ્થિત કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ ખાતે શાકભાજીની 635 ગાડીઓની આવક થઈ છે.

કાંદા-બટેટા માર્કેટમાં કાંદાની 130 અને બટેટાની 48 ગાડીઓ આવી હતી. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશથી આવતા બટેટાની સપ્લાય ઘટી ગઈ છે. હાલ મુંબઈમાં માત્ર ગુજરાતમાંથી જ બટેટા આવે છે.

મહારાષ્ટ્રમાંથી આવતા શાકભાજીની આવક સ્થિર છે. તેથી મુંબઈમાં શાકભાજી અને ફળોના ભાવ સ્થિર રહેવામાં મદદ મળી છે.

આ હડતાળનું એલાન ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. એને મુંબઈ બસ માલક સંઘટના સહિત અનેક રાજ્યોના ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશનોનો ટેકો છે.