મુંબઈના ડબ્બાવાળાઓ હવે કુરિયર સેવા પણ આપશે; ભેજું છે 13 વર્ષના તિલક મહેતાનું

મુંબઈ – શહેર તથા ઉપનગરોમાં લોકોને દરરોજ નિયમિત રીતે, સમયસર ટિફિન પહોંચાડવાની સેવા બજાવતા ડબ્બાવાળાઓ હવે મુંબઈગરાંઓને કુરિયર સેવા પણ પૂરી પાડવાના છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ અનુસાર, આ માટે ‘પેપર્સ એન પાર્સલ્સ’ નામની એક એપ-બેઝ્ડ કુરિયર સર્વિસે ડબ્બાવાળાઓ સાથે સહયોગ કર્યો છે. જે અંતર્ગત ડબ્બાવાળાઓ મુંબઈની હદના વિસ્તારોમાં ગ્રાહકોને એમના સરનામે જઈને પાર્સલ પહોંચતું કરશે.

મહત્ત્વની વાત એ છે કે આ એપ ડેવલપ કરી છે 13 વર્ષના અને 8મા ધોરણમાં ભણતા તિલક મહેતાએ. તિલકે ડબ્બાવાળાઓ માટે પિકઅપ, ડિલિવરી એપ્લિકેશન બનાવી છે. એનું કહેવું છે કે આ કુરિયર સેવા અંતર્ગત ગ્રાહકોને સેમ ડે પિકઅપ અને ડિલિવરીની સુવિધા મળશે.

તિલક મહેતા

ડબ્બાવાળાઓની આ સુવિધાનો લાભ લેવા માટે પેપર્સ એન પાર્સલ્સ એપને એપલ એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાશે. ત્યારબાદ તમે એપ મારફત કુરિયરની વિગત અને પિકઅપ ટાઈમ બતાવી શકશો અને પેમેન્ટ પણ કરી શકશો.

તિલક મહેતાને આવી પ્રેરણા ક્યાંથી મળી?

તિલકે કહ્યું કે એને એના પિતા તરફથી આ પ્રેરણા મળી છે, જેઓ એક વેપારી છે અને હંમેશાં નવી નવી ચીજવસ્તુઓ કરતા રહે છે. તો મને પણ થયું કે હું પણ કંઈક નવું કરી બતાવું.

આ મોડેલ કઈ રીતે કામ કરે છે? તે વિશે સમજાવતાં તિલકે કહ્યું કે, અમારું ફોકસ પાર્સલ સેમ ડે પહોંચી જાય એ માટેનું રહેશે. એ માટે અમે પાર્સલ દીઠ 40 રૂપિયાના ચાર્જથી ડિલિવરીની શરૂઆત કરીશું તેમજ ડબ્બાવાળાઓ 3 કિલો વજન સુધીનું પાર્સલ ઉઠાવશે. પાર્સલ માટે મહત્તમ ચાર્જ રૂ. 180 હશે.

પેપર્સ એન પાર્સલ્સના સીઈઓ ઘનશ્યામ પારેખનું કહેવું છે કે 2019ના અંત સુધીમાં દરરોજ એક લાખ પાર્સલની ડિલીવરી કરવાનો અમે લક્ષ્યાંક નક્કી કર્યો છે. અમારો પ્લાન 2000 જેટલા લોકોને રોકવાનો છે.

શું કૂરિયર સેવા શરૂ થવાથી ડબ્બાવાળાઓને એમના રોજિંદા કામમાં કોઈ તકલીફ નહીં પડે? તો એમના પ્રતિનિધિએ કહ્યું કે નહીં થાય. ડબ્બાવાળાઓ ટિફિન પહોંચાડવાનું રોજિંદું કામ તો કરશે જ, પરંતુ એ કામ પતી ગયા બાદ એમને જે સમય બચશે એમાં તેઓ કુરિયર સેવાનું કામ પણ કરશે.

ઘણા ડબ્બાવાળાઓ ફાજલ સમયે ઓટોરીક્ષા ચલાવે છે અથવા માળીનું કામ કરે છે તો હવે કેટલાક કુરિયર સેવાનું કામ કરશે.

મુંબઈમાં 5000 જેટલા ડબ્બાવાળાઓનું નેટવર્ક છે.

પેપર્સ એન પાર્સલ્સ સ્ટાર્ટઅપ કંપની સાથે હાલ 300 ડબ્બાવાળાઓ રજિસ્ટર થયા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]