મુંબઈઃ આ વખતે ચોમાસામાં ટ્રેન સેવા નહીં ખોરવાય; પાટાની ઊંચાઈ વધારાશે

મુંબઈ – આ વખતે ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને કારણે ટ્રેન સેવા ખોરવાય નહીં એ માટે પશ્ચિમ અને મધ્ય, બંને રેલવે વિભાગ એકદમ સજ્જ થઈ ગયા છે. આ બંને વિભાગે જ્યાં વરસાદને કારણે પૂરનાં પાણી ખાસ ભરાતા હોય છે એવા સ્ટેશનો ખાતે પાટાની ઊંચાઈ વધારવાનો નિર્ણય લીધો છે અને એ દિશામાં કામકાજ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે.

સામાન્ય રીતે, દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદને કારણે પાટા પર વારંવાર પાણી ભરાઈ જતા હોય છે અને એને કારણે ટ્રેન સેવા ખોરવાઈ જતી હોય છે.

ગયા વર્ષના જુલાઈમાં વસઈ-વિરાર વિભાગ પર તો પૂરની પરિસ્થિતિને કારણે ટ્રેન સેવા લાંબો સમય સુધી ખોરવાઈ ગઈ હતી.

આ વખતે પશ્ચિમ રેલવેના અધિકારીઓએ અત્યારથી જ એવા વિસ્તારોમાં ખાસ નિરીક્ષણ શરૂ કરી દીધું છે. નિચાણવાળા અને વરસાદી પાણીનો ભરાવો થાય છે એવા વિસ્તારોને પશ્ચિમ રેલવેએ ઓળખી કાઢ્યા છે.

આવા વિસ્તારોમાં ગ્રાન્ટ રોડના પાટા અને યાર્ડ, પ્રભાદેવી (જૂનું એલફિન્સ્ટન રોડ), દાદર, માટુંગા, માહિમ, બાન્દ્રા, ખાર, અંધેરી, જોગેશ્વરી, વસઈ, વિરાર સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં આ વખતના ચોમાસા દરમિયાન ખાસ ધ્યાન રાખવામાં આવશે.

પશ્ચિમ રેલવેના વડા જનસંપર્ક અધિકારી રવિન્દ્ર ભાકરનું કહેવું છે કે દરિયાઈ સપાટીથી નીચે રહેતા વિસ્તારો તેમજ નિચાણવાળા વિસ્તારોમાં પાટાની ઊંચાઈ વધારવાનું અમે નક્કી કર્યું છે જેથી ટ્રેન વ્યવહાર સરળતાપૂર્વક ચાલી રહી શકે. હાર્બર લાઈન પર માહિમ યાર્ડમાં અને બાન્દ્રા-ખાસ સ્લો લાઈન પર તો પાટાની ઊંચાઈ વધારવાનું કામ પૂરું પણ કરી લેવામાં આવ્યું છે.

મરીન લાઈન્સ, મુંબઈ સેન્ટ્રલ, દાદર, બાન્દ્રા જેવા નિચાણવાળા સ્ટેશનો ખાતે પાટા પર વરસાદનાં પાણી ભરાવાની સંભાવના વધારે છે તેથી ત્યાં 154 હાઈ-પાવર પમ્પ્સ બેસાડવામાં આવ્યા છે.

એવી જ રીતે, મધ્ય રેલવેએ પણ પાટાની ઊંચાઈ 6 ઈંચ સુધી વધારવાનું નક્કી કર્યું છે.

ચીફ પબ્લિક રિલેશન્સ ઓફિસર સુનિલ ઉદ્દેશીએ કહ્યું છે કે પૂરનાં પાણી ભરાવાની સમસ્યાવાળા વિસ્તારોમાં અમે 95 હાઈ-પાવર પમ્પ્સ બેસાડી રહ્યાં છીએ. પાટા નીચેથી પસાર થતા 85 ટકા નાળા સાફ કરી લેવામાં આવ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]