મુંબઈમાં રીક્ષા, ટેક્સીના ભાડામાં ૧-૧ રૂપિયો વધવાની ધારણા

મુંબઈ – મહાનગરમાં ઓટોરીક્ષા અને ટેક્સી સેવા માટેના ભાડામાં એક રૂપિયાનો વધારો કરવાનું સૂચન કરતો ખટુઆ સમિતિનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવ્યો છે. એટલે ભાડાવધારાનો સંકેત મળે છે.

રીક્ષા, ટેક્સી, એપ આધારિત ટેક્સી સેવા માટેના દર વધારવા ઉપરાંત અન્ય વ્યવસ્થા, સુવિધા, સૂચના વગેરેનો પણ અહેવાલમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, એપ આધારિત ટેક્સી સેવાના વધતા દર પર અંકુશ રાખવાની સૂચના પણ આ અહેવાલમાં આપવામાં આવી છે.

આ અહેવાલ પરિવહન વિભાગે આપ્યો છે અને રાજ્ય સરકાર તે મંજૂર રાખે ત્યારબાદ જ ભલામણો, સૂચનનો અમલ કરાશે. અહેવાલ તૈયાર કરવા માટે ચાર સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી, જેનું અધ્યક્ષપદ બી.સી. ખટુઆને સોંપવામાં આવ્યું હતું. સમિતિએ ૩૦૦ પાનાંનો અહેવાલ પરિવહન વિભાગને સુપરત કર્યો છે.

અહેવાલમાં એવી ભલામણ કરવામાં આવી છે કે મુંબઈ મહાનગરમાં રીક્ષાનું લઘુત્તમ ભાડું ૧૮ રૂપિયાથી વધારી ૧૯ રૂપિયા કરવું જોઈએ અને ટેક્સીનું લઘુત્તમ ભાડું ૨૨થી વધારીને ૨૩ રૂપિયા કરવું જોઈએ.

મુંબઈમાં ૨૦૧૫ની ૧ જૂનથી રીક્ષાનું લઘુત્તમ ભાડું ૧૭ રૂપિયાથી વધારી ૧૮ અને ટેક્સીનું લઘુત્તમ ભાડું ૨૧થી વધારી ૨૨ રૂપિયા કરવામાં આવ્યું હતું.