મુંબઈના કાંદિવલીમાં શિવસેનાના ભૂતપૂર્વ નગરસેવકની છરો ભોંકી હત્યા

મુંબઈ – અહીંના કાંદિવલી (ઈસ્ટ) ઉપનગરમાં શિવસેનાના ભૂતપૂર્વ નગરસેવક અશોક સાવંતની ગઈ કાલે મોડી રાતે અજાણ્યા શખ્સોએ છરોભોંકીને કરપીણ રીતે હત્યા કરી હતી.

સાવંત એમના મિત્રોને મળીને સમતા નગર વિસ્તારમાં આવેલા એમના નિવાસસ્થાન સુર બિલ્ડિંગ તરફ પાછા ફરતા હતા ત્યારે એમની પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરો ફરાર થઈ ગયા છે.

સાવંતને તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પણ ત્યાં એમને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.

બનાવની જાણ થતાં તરત જ સમતા નગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા. પ્રાથમિક તપાસમાં આ હત્યા જૂની અંગત અદાવતને કારણે થઈ હોવાનું મનાય છે.

અહેવાલો અનુસાર સાવંત કેબલનો બિઝનેસ કરતા હતા.

સાવંત મુંબઈમાં એન્ટી-ટેરરિસ્ટ્સ સ્ક્વોડના સહાયક પોલીસ કમિશનર સુભાષ સાવંતના ભાઈ હતા.

સાવંત એમના નિવાસસ્થાનની સામે જ પહોંચ્યા હતા ત્યારે મોટરસાઈકલ પર સવાર થયેલા બે શખ્સ એમની રાહ જોતા ઊભા હતા અને સાવંત સામે આવ્યા કે તરત એમની પર છરા વડે હુમલો કર્યો હતો.

પોલીસે કહ્યું છે કે જરૂર પડશે તો તે મહોલ્લામાં મૂકવામાં આવેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવશે જેથી હુમલાખોરોને ઓળખી શકાય.

પોલીસનું કહેવું છે કે છેલ્લા કેટલાક વખતથી સાવંતને ખંડણી માટેના ફોન કોલ્સ આવતા હતા. એ માટે એમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]