દુનિયાના સુરક્ષિત શહેરોની યાદીમાં મુંબઈ 45મા સ્થાને; ટોકિયો પહેલા નંબરે

મુંબઈ – ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટે દુનિયાના સુરક્ષિત શહેરોની એક યાદી આજે બહાર પાડી છે. એમાં દેશના આર્થિક પાટનગર મુંબઈનો નંબર 45મો છે જ્યારે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીનો નંબર 52મો છે.

ટોકિયો

આ યાદીમાં ટોચના 10 શહેરોમાં 6 શહેર એશિયા-પેસિફિક વિસ્તારના છે. પહેલો નંબર ટોકિયોએ હાંસલ કર્યો છે.

બીજા નંબરે સિંગાપોર અને ત્રીજા નંબરે ઓસાકા (જાપાન) છે. તે પછીના ક્રમે છે – એમ્સ્ટરડેમ (નેધરલેન્ડ્સ), સિડની (ઓસ્ટ્રેલિયા), ટોરોન્ટો (કેનેડા), વોશિંગ્ટન (અમેરિકા), કોપનહેગન (ડેન્માર્ક), સોલ (દક્ષિણ કોરિયા) અને મેલબર્ન (ઓસ્ટ્રેલિયા).

સિંગાપોર

ટોપ-10માં જાપાન ઉપરાંત ઓસ્ટ્રેલિયાના પણ બે શહેરે સ્થાન મેળવ્યું છે.

હોંગકોંગ શહેર 2017ની સાલથી ટોપ-ટેન ગ્રુપમાંથી બહાર થઈ ગયું છે, પણ દક્ષિણ કોરિયાનું સોલ શહેર સામેલ થયું છે. એણે 9મું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ઓસાકા

અમેરિકાનું પાટનગર વોશિંગ્ટન શહેર, જે 2017માં 23મા સ્થાને હતું, તે આ વર્ષે છલાંગ મારીને 7મા સ્થાને પહોંચી ગયું છે.

એમ્સ્ટરડેમ

દુનિયાના પાંચેય ખંડના 60 દેશોને આ સર્વેક્ષણમાં આવરી લેવામાં આવ્યા છે અને રેન્ક આપવામાં આવી છે.

આ સર્વેક્ષણ માટે શહેરી વિસ્તારોમાં સુરક્ષિતતા, ઉપરાંત ડિજિટલ, માળખાકીય સવલતો, આરોગ્ય તથા અંગત સલામતી જેવા પાસાંને ધ્યાનમાં લેવામાં આવ્યા છે.

અહેવાલમાં જણાવાયું છે કે યાદીમાં એશિયા-પેસિફિક વિસ્તારના 3 શહેરે ભલે ટોપ-થ્રી સ્થાન મેળવ્યું છે, પરંતુ સૌથી નીચો સ્કોર કરવામાં પણ આ જ વિસ્તારનાં શહેરો આવે છે – જેમ કે યાંગુન, કરાચી અને ઢાકા. આ ત્રણ શહેર યાદીમાં સૌથી છેલ્લા સ્થાને છે.

મુંબઈ

ડિજિટલ સુરક્ષા ઈન્ડેક્સના ટોપ-5 શહેરો છેઃ ટોકિયો, સિંગાપોર, શિકાગો, વોશિંગ્ટન ડીસી, લોસ એન્જેલીસ અને સાન ફ્રાન્સિસ્કો (સંયુક્ત).

સ્વાસ્થ્ય સુરક્ષા ઈન્ડેક્સના ટોચના શહેરો છેઃ ઓસાકા, ટોકિયો, સોલ, એમ્સ્ટરડેમ અને સ્ટોકહોમ (સંયુક્ત ચોથે).

ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યુરિટી ઈન્ડેક્સના ટોચના પાંચ શહેરો છેઃ સિંગાપોર, ઓસાકા, બાર્સેલોના, ટોકિયો અને મેડ્રિડ.

પર્સનલ સિક્યુરિટી ઈન્ડેક્સના ટોપ-5 શહેરો છેઃ સિંગાપોર, કોપનહેગન, હોંગકોંગ, ટોકિયો અને વેલિંગ્ટન.