મુંબઈમાં તરુણ વયની રાજસ્થાની મોડેલની હત્યા; સાથે રહેતા હૈદરાબાદી મિત્રની ધરપકડ

મુંબઈ – એક તરુણીનો મૃતદેહ ગઈ કાલે અહીં મલાડ (વેસ્ટ) ઉપનગરમાં એક બેગમાંથી મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવતીનું નામ માનસી દીક્ષિત હતું, એ રાજસ્થાનની રહેવાસી અને 20 વર્ષીય મોડેલ હતી.

મૃતકની હત્યા માટે એનાં મિત્રની ધરપકડ કરવામાં આવી છે.

મલાડમાં માઈન્ડ સ્પેસ કંપનીની ઓફિસ પાસે સોમવારે સાંજે એક લાવારીસ બેગ મળી આવી હતી. પોલીસને તરત જાણ કરાઈ હતી અને તપાસ કરતાં એમાંથી તરુણીનો મૃતદેહ મળી આવ્યો હતો.

અહેવાલ અનુસાર, પોલીસે આ હત્યાના સંબંધમાં મુઝમ્મીલ સઈદ નામના 20 વર્ષના એક છોકરાની ધરપકડ કરી છે. કેસમાં પોલીસ તપાસ હજી ચાલુ છે.

મુઝમ્મીલ મૂળ હૈદરાબાદનો છે. તે અને માનસી ઓશિવરા (જોગેશ્વરી)ના ફ્લેટમાં સાથે રહેતાં હતાં. સોમવારે બપોરે બંને વચ્ચે મોટો ઝગડો થયો હતો. ગુસ્સામાં આવીને મુઝમ્મીલે માનસીનાં માથા પર લોખંડના સળીયાથી પ્રહાર કર્યો હતો. ત્યારબાદ ગળું દબાવીને એને મારી નાખી હતી. એ પછી ઘરમાં પડેલી એક બેગમાં માનસીનો મૃતદેહ પેક કર્યા બાદ એણે મોબાઈલ ફોન પરથી ટેક્સી બુક કરાવી હતી. ટેક્સીમાં બેસીને એ મલાડ ગયો હતો. ત્યાં ઝાડી-ઝાંખરાવાળી એક જગ્યાએ બેગ ફેંકીને એ પલાયન થઈ ગયો હતો.

ટેક્સી ડ્રાઈવરને યુવકની હિલચાલ, વર્તન શંકાસ્પદ લાગ્યા હતા અને એણે 100 નંબર ડાયલ કરીને પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી. એણે યુવકનો મોબાઈલ નંબર પણ પોલીસને આપ્યો હતો. ગોરેગામ સ્થિત બાંગુરનગર પોલીસ સ્ટેશને તરત પગલું ભર્યું હતું. પોલીસો માઈન્ડ સ્પેસ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં બેગ મળી આવી હતી. એમણે તે ખોલતાં મૃતદેહ જોવા મળ્યો હતો.

બેગ ફેંકી દીધા બાદ મુઝમ્મીલે ટેક્સી છોડી દીધી હતી અને એક રિક્ષા પકડી હતી. ત્યારબાદ રિક્ષા છોડીને બીજી ટેક્સી પકડીને ઓશિવરા સ્થિત એના ફ્લેટ પર પહોંચ્યો હતો. પોલીસો એના મોબાઈલ પરથી એની પર બરાબર ટ્રેક રાખી રહ્યા હતા અને તરત એના ફ્લેટ પર પહોંચ્યા હતા. પોલીસને જોતાં જ મુઝમ્મીલે હત્યા કર્યાની કબૂલાત કરી હતી.