મુંબઈમાં ભારે વરસાદ; નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, લોકલ ટ્રેન સેવાને અસર

મુંબઈ – દેશની આર્થિક રાજધાની મુંબઈ, તેના ઉપનગરો તથા પડોશના નવી મુંબઈ, થાણે જિલ્લા અને પાલઘર જિલ્લાના વિસ્તારોમાં ગઈ કાલે આખી રાત ચાલુ રહેલા ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. મુંબઈના ધારાવી, સાયન, કુર્લા, બાન્દ્રા, ચેંબૂર સહિત અનેક ભાગોમાં અને સબવે વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે.

પશ્ચિમ, મધ્ય અને હાર્બર લાઈનની લોકલ ટ્રેનો 10થી 20 મિનિટ જેટલી મોડી દોડતી હોવાનું પ્રવાસીઓનું કહેવું છે, પરંતુ ટ્રેન સેવા નોર્મલ હોવાનો રેલવે સૂત્રોનો દાવો છે.

પવઈ સરોવર

ગઈ કાલે શહેરમાં પોણા ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. એને કારણે અંધેરી (ઈસ્ટ) ખાતે પવઈ સરોવર છલકાઈ ગયું છે. આ સરોવરનું પાણી ઔદ્યોગિક હેતુઓ માટે વપરાય છે.

નૈઋત્યના ચોમાસાના વરસાદે દક્ષિણ ગુજરાતમાં પણ ત્રાટક કર્યું છે. પશ્ચિમ રેલવેના ભિલાડ અને સંજાણ સ્ટેશનો વચ્ચે પાટા પર પાણી ભરાતાં ટ્રેન સેવાને માઠી અસર પહોંચી હતી.

મુંબઈની પડોશના પાલઘર જિલ્લાના નાલાસોપારામાં અનરાધાર વરસાદને કારણે અમુક વિસ્તારોમાં કમરસમા પાણી ભરાયા છે. મોટરસાઈકલ, સ્કૂટરો, ઓટોરીક્ષાઓ, કાર પાણીમાં ડૂબી ગયેલી જોવા મળી હતી. (જુઓ નીચેની તસવીરો)