મુંબઈ મેરેથોન (42 કિ.મી.): ઈથિયોપિયાનો સોલોમન ડેકસિસા વિજેતા બન્યો

મુંબઈ – ૧૪મી વાર્ષિક મુંબઈ મેરેથોન, જેને આ વખતે ‘ટાટા મુંબઈ મેરેથોન’ નામ આપવામાં આવ્યું છે, તેનું આજે સવારે દક્ષિણ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન ખાતેથી હંમેશ મુજબના ઉત્સાહ અને પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે આયોજન કરવામાં આવ્યું હતું. ઈથિયોપિયાનો સોલોમન ડેકસિસા આંતરરાષ્ટ્રીય પુરુષોના વર્ગમાં વિજેતા બન્યો છે. 42 કિ.મી.ના અંતરવાળી આ દોડમાં કુલ 6,955 જણે ભાગ લીધો હતો એમાં ડેકસિસાએ 2 કલાક, 9 મિનિટ, 33 સેકંડના સમય સાથે સૌથી પહેલું ફિનિશ કર્યું હતું.

આંતરરાષ્ટ્રીય પુરુષોના વર્ગમાં પ્રથમ આવનાર ઈથિયોપીયાનો સોલોમન ડેકસિસા
આંતરરાષ્ટ્રીય પુરુષોના વર્ગમાં પ્રથમ આવનાર ઈથિયોપીયાનો સોલોમન ડેકસિસા

આંતરરાષ્ટ્રીય પુરુષોનાં વર્ગમાં, બીજા ક્રમે શુમેત એકલનોવ અને ત્રીજા ક્રમે જોશુઆ કિપકોઈર આવ્યો હતો. આ ત્રણેય ઈથિયોપિયાના છે.

આંતરરાષ્ટ્રીય મહિલાઓનાં વર્ગમાં ફૂલ મેરેથોન રેસ ઈથિયોપીયાની અમાન ગોબેનાએ જીતી હતી. બીજા નંબરે બોર્નીસ કિતુર આવી હતી અને ત્રીજા સ્થાને શુમો જીનીમો આવી હતી.

ભારતીય પુરુષોનાં જૂથમાં વિજેતા બન્યો છે એશિયન મેરેથોન ચેમ્પિયન અને ગોલ્ડ મેડલિસ્ટ ગોપી થોનાકલ. નિતેન્દ્રસિંહ રાવત બીજા સ્થાને આવ્યો હતો.

ભારતીય મહિલાઓનાં વર્ગમાં, સુધા સિંહ પ્રથમ આવી હતી. બીજા નંબરે જ્યોતિ ગાવટે અને ત્રીજા નંબરે પારુલ ચૌધરી રહી.

હાફ મેરેથોન દોડમાં પુરુષોનાં વર્ગમાં વિજેતા બન્યો પ્રદીપ સિંઘ, જ્યારે શંકર થાપા બીજા ક્રમે, દીપક કુંભાર ત્રીજા ક્રમે આવ્યો.

હાફ મેરેથોન દોડમાં મહિલાઓનાં વર્ગમાં નાશિકની સંજીવની જાધવે વિજેતાપદ હાંસલ કર્યું છે.

દર વર્ષની માફક આ વર્ષે પણ મુંબઈ મેરેથોનમાં શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી હજારો લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઘણા દિવ્યાંગ લોકોએ પણ હોંશપૂર્વક ભાગ લીધો હતો. સૌ વહેલી સવારે 5.30 વાગ્યાથી રેસ માટે હાજર થઈ ગયાં હતાં. કેટલાંક દિવ્યાંગ વ્યક્તિઓ વ્હીલચેરગ્રસ્ત પણ હતાં. તો કેટલાક સ્પર્ધક 75 થી લઈને 85 વર્ષની વયના હતા.

મહારાષ્ટ્રના રાજ્યપાલ ડો. વિદ્યાસાગર રાવે સવારે 6.10 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશનેથી લીલી ઝંડી બતાવીનને મેરેથોન દોડનો આરંભ કરાવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]