હાવડા મેલના 3 ડબ્બા ઈગતપુરી સ્ટેશન નજીક ખડી પડ્યા; કોઈને ઈજા નથી

ઈગતપુરી (મહારાષ્ટ્ર) – મધ્ય રેલવે વિભાગ પર મુંબઈથી નાગપુર થઈને હાવડા જતા હાવડા મેલના ત્રણ ડબ્બા આજે વહેલી સવારે ઈગતપુરી રેલવે સ્ટેશન નજીક ખડી પડ્યા છે. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ નથી થઈ. પરંતુ આ રૂટ અવરોધાઈ જતાં અનેક ટ્રેનોને રદ કરવી પડી છે અથવા એને અન્ય રૂટ પર ડાઈવર્ટ કરવી પડી છે.

મધ્ય રેલવેના વડા જનસંપર્ક અધિકારી સુનીલ ઉદાસીના જણાવ્યા મુજબ, 12809 મુંબઈ-હાવડા મેલ (વાયા નાગપુર) રવિવારે વહેલી સવારે 2.05 વાગ્યે મુંબઈ ડિવિઝનના ઈગતપુરી નજીક પાટા પરથી ખડી પડ્યા હતા. આ અકસ્માતમાં કોઈ પણ પ્રવાસીને ઈજા થઈ નથી.

S-12, S-13 અને પેન્ટ્રી કાર – આ ત્રણ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા.

આગળના ભાગનું એન્જિન અને 8 ડબ્બા સવારે 3.50 વાગ્યે ઈગતપુરી જવા રવાના થયા હતા. ત્યારબાદ સવારે પોણા છ વાગ્યે એન્જિનથી 9મો ડબ્બો પાટા પરથી ખડી પડ્યો હતો.

આ રૂટ પર પંચવટી, રાજ્યરાણી, ગોદાવરી એક્સપ્રેસ ટ્રેનો રદ કરવી પડી છે.

રેલવે વહીવટીતંત્રે આ હેલ્પલાઈન નંબરો જાહેર કર્યા છે.

કલ્યાણ: 0251-2311499

દાદર: 022-24114836

ઈગતપુરી: 02553-244020