પાંચ રૂપિયાની પોપકોર્નનાં 250 રૂપિયા લેતા મલ્ટિપ્લેક્સીસથી મુંબઈ હાઈકોર્ટ નારાજ

મુંબઈ – મહારાષ્ટ્ર સરકારને આજે મુંબઈ હાઈકોર્ટના ન્યાયાધીશોએ બરાબરની આડે હાથ લીધી હતી. કોર્ટે સવાલ કર્યો કે, મલ્ટિપ્લેક્સ થિયેટરોમાં સાવ પાંચ રૂપિયાની કિંમતની પોપકોર્ન 250 રૂપિયામાં કેમ વેચવામાં આવે છે? ખાદ્યપદાર્થોની કિંમત પર રાજ્ય સરકારનું કોઈ નિયંત્રણ છે કે નહીં? આટલા મોંઘા ભાવે પોપકોર્ન વેચવાનો અધિકાર મલ્ટિપ્લેક્સવાળાઓને કોણે આપ્યો?

ન્યાયમૂર્તિઓ રણજીત મોરે અને અનુજા પ્રભુ-દેસાઈની બેન્ચે તેમની સમક્ષ રજૂ કરાયેલી એક જનહિતની અરજી પર આજે સુનાવણી વખતે એમ પણ પૂછીને આદેશ આપ્યો હતો કે બોમ્બે પોલીસ એક્ટ અનુસાર થિયેટરમાલિકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે ખરી? આ વિશેનો તપાસ અહેવાલ 4 અઠવાડિયામાં અહીં રજૂ કરો.

મલ્ટિપ્લેક્સ થિયેટરોમાં મળતા ખાદ્યપદાર્થોની કિંમત વિશે જૈનેન્દ્ર બક્ષી નામના નાગરિકે મુંબઈ હાઈકોર્ટમાં જનહિતની અરજી નોંધાવી છે. એમણે પોતાની અરજીમાં એવી માગણી કરી છે કે મલ્ટિપ્લેક્સ થિયેટરોમાં વેચાતા ખાદ્યપદાર્થો અતિશય મોંઘા હોય છે અને દર્શકોને એમના ઘેરથી કોઈ પ્રકારની ખાદ્યચીજો લાવવાની મનાઈ છે. લોકોને એમના ઘેરથી ખાદ્યપદાર્થો લાવવાની છૂટ આપવી જોઈએ.

બીજી બાજુ, થિયેટરમાલિકો વતી વકીલોએ એવી દલીલ કરી હતી કે મલ્ટિપ્લેક્સીસમાં ખાદ્યપદાર્થો ખરીદવા માટે કોઈની પર દબાણ કરવામાં આવતું નથી. આવા થિયેટરોમાં આરામદાયક સુવિધા પૂરી પાડવાનું અમારું કામછે. એવી સુવિધા લેવી કે નહીં એ નિર્ણય લોકોએ લેવાનો છે. તમે તાજ કે ઓબેરોય જેવી ફાઈવ સ્ટાર હોટેલોમાં જઈને ચાની કિંમત ઘટાડવાનું કહી શકો છો ખરા?