મુંબઈ: ફિલ્મસિટી નજીકના જંગલમાં ભીષણ આગને આખી રાતની જહેમત બાદ બુઝાવી શકાઈ

મુંબઈ – શહેરના ગોરેગામ (ઈસ્ટ) ઉપનગરમાં સંજય ગાંધી નેશનલ પાર્કની અંદર આવેલી આરે મિલ્ક કોલોની નજીકના જંગલવિસ્તારમાં ગઈ કાલે સાંજે લાગેલી ભયાનક આગને અગ્નિશામક દળના જવાનો આખી રાતની જહેમત બાદ બુઝાવવામાં સફળ થયા છે.

આગ સોમવારે સાંજે લગભગ 6.30 વાગ્યે શરૂ થઈ હતી. તે શરૂઆતમાં જનરલ અરૂણકુમાર વૈદ્ય માર્ગ પર ફિલ્મસિટી નજીક આવેલા આઈટી પાર્ક નજીકના એક ખુલ્લા પ્લોટમાં લાગી હતી. આ સ્થળ સરકાર હસ્તકની આરે મિલ્ક કોલોની નજીક આવેલું છે. આગે જોતજોતામાં ચારેક સ્ક્વેર કિલોમીટરના જંગલવિસ્તારમાં ભરડો લીધો હતો,

આગમાં અનેક ઝાડ નાશ પામ્યા છે. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈને ઈજા થઈ નથી. પરંતુ રાતના સમયે તે આસપાસના ન્યૂ મ્હાડા હાઉસિંગ કોલોની જેવા રહેણાંક વિસ્તારો તરફ પ્રસરવા માંડી હતી. તેથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

આરે કોલોની 16 સ્ક્વેર કિલોમીટરમાં પ્રસરાયેલો વિસ્તાર છે, જેમાં 12 ગામડા આવેલા છે.

ચીફ ફાયર ઓફિસર પ્રભાત રહાંગળેએ જણાવ્યું કે આગ જ્યાં લાગી હતી તે જંગલવિસ્તારમાં પ્રવેશવાના માર્ગો ઉપલબ્ધ ન હોવાથી ફાયર એન્જિન્સ સાથે ત્યાં જવાનું જવાનો માટે મુશ્કેલ બની ગયું હતું. તે છતાં બે નાનકડા હોસ લાઈન્સની મદદથી જવાનોએ આખી રાતની જહેમત બાદ આગને બુઝાવવામાં સફળતા મેળવી હતી.

આગ બુઝાવવાની કામગીરી માટે 10 ફાયર ફાઈટિંગ એન્જિન્સ, સાત JTs, ત્રણ ક્વિક રીસ્પોન્સ વેહિકલ્સ, ચાર જમ્બો વોટર ટેન્કરને કામે લગાડવામાં આવ્યા હતા.

આગ બુઝાવવામાં ફાયરમેનોને વનવિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા મુંબઈ પોલીસના જવાનોએ પણ મદદ કરી હતી.

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે આરે કોલોનીની બાજુમાં જ આવેલો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]