મુંબઈમાં ‘બેસ્ટ’ બસકર્મીઓની હડતાળ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી; શુક્રવારે સુનાવણી

મુંબઈ – મહાનગરમાં જાહેર બસ સેવા પૂરી પાડતી સિવિક ટ્રાન્સપોર્ટ કંપની BEST (બૃહનમુંબઈ ઈલેક્ટ્રિસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ)ના 30 હજારથી વધુ કર્મચારીઓ પગારવધારા સહિતની અનેક માગણીઓના ટેકામાં બેમુદત હડતાળ પર ઉતરી ગયા છે. આજે હડતાળનો ત્રીજો દિવસ હતો. એમની આ હડતાળને કારણે લાખો નાગરિકોને હાડમારી ભોગવવી પડી રહી છે.

આ હડતાળ વિરુદ્ધ મુંબઈ હાઈકોર્ટમાં આજે જનહિતની અરજી નોંધાવવામાં આવી છે.

દત્તા માને નામના એક વકીલે આ અરજી નોંધાવી છે.

આ અરજી પર મુખ્ય ન્યાયમૂર્તિ નરેશ પાટીલ આવતીકાલે સુનાવણી કરશે.

આ હડતાળમાં બેસ્ટ કંપનીના બસ ડ્રાઈવરો અને કંડક્ટરો સહિત તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હોવાથી બસસેવા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે.

આ હડતાળનો ઉકેલ લાવવા માટે બેસ્ટ પ્રશાસન અને કર્મચારીઓના યુનિયનો વચ્ચે અનેક બેઠકો યોજાઈ ચૂકી છે, પરંતુ કોઈ સમાધાન આવ્યું નથી.

આને કારણે મુંબઈગરાંઓની હાલત વધુ ને વધુ કફોડી થતી જાય છે. પરિણામે વકીલ દત્તા માનેએ આ બાબતમાં હાઈકોર્ટ જ કોઈક ઉકેલ લાવશે એવી આશા સાથે પીટિશન નોંધાવી છે.

હાઈકોર્ટે હડતાળ મામલે સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરેલી જ છે. તે છતાં એની અવગણના કરીને બેસ્ટકર્મીઓ હડતાળ પર ઉતરી ગયા છે અને એને કારણે હાડમારી ભોગવવી પડી રહી છે સામાન્ય નાગરિકોને, એવી માનેએ એમની અરજીમાં દલીલ કરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]