મુંબઈમાં મ્યુનિસિપલ શાળામાં ઔષધી ઝેર ચડતાં બાળકીનું મરણ, 160 વિદ્યાર્થી હોસ્પિટલમાં

મુંબઈ – શહેરના પૂર્વ ભાગમાં આવેલા ગોવંડી ઉપનગરમાં મહાનગરપાલિકા સંચાલિત એક શાળામાં શંકાસ્પદ ઔષધી ઝેર ચડતાં 12 વર્ષની એક બાળકીનું કરૂણ મરણ નિપજ્યાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. શાળાનાં બીજાં 160 વિદ્યાર્થીઓ બીમાર પડતાં એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

વિદ્યાર્થીઓને શરીરમાં લોહતત્ત્વ વધે એ માટે શાળામાંથી ટીકડીઓ આપવામાં આવ્યા વિદ્યાર્થીઓને ઝેર ચડ્યું હોવાની શંકા છે.

ગોવંડીમાં બૈંગનવાડી વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ ઉર્દૂ સ્કૂલ નંબર-2માં મૃત્યુ પામેલી 12 વર્ષની છોકરીને આયર્ન અને ફોલિક એસિડ ટેબ્લેટ્સ ખવડાવવામાં આવી હતી. બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં આમ જણાવવામાં આવ્યું હતું.

નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે તે વિદ્યાર્થિની મંગળવારે શાળામાં ગેરહાજર રહી હતી, પણ બુધવારે તથા ગુરુવારે શાળામાં ફરી હાજર થઈ હતી અને ગઈ કાલે રાતે એનાં ઘેર અનેક લોહીની ઉલટીઓ થયા બાદ મૃત્યુ પામી હતી.

મુંબઈમાં બીએમસી દ્વારા સંચાલિત શાળાઓમાં બાળકોને પાંડુરોગ (એનીમિઆ) સામે રક્ષણ આપવા માટે કેન્દ્ર સરકારે શરૂ કરેલી એક યોજના અંતર્ગત લોહતત્ત્વ, ફોલિક એસિડ અને કરમ-વિરોધી ટીકડીઓ આપવામાં આવી હતી.

બીએમસીના અધિકારીઓનું કહેવું છે કે છોકરીનાં મરણ પાછળ ટીબી રોગ કારણરૂપ હોઈ શકે છે. જોકે બીએમસીના નિવેદનમાં એમ પણ જણાવાયું છે કે છોકરીની અગાઉની બીમારીની વિગતની એને જાણ નથી.

બીએમસીના અધિકારીએ કહ્યું છે કે શાળાનાં અન્ય 161 વિદ્યાર્થીઓનાં માતાપિતા ગભરાઈ ગયા હતા અને બાળકોને ઘાટકોપરની બીએમસી સંચાલિત રાજાવાડી હોસ્પિટલ તથા ગોવંડીની શતાબ્દી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

કેટલાક બાળકોએ ઊબકા આવવાની અને ચક્કર આવતા હોવાની ફરિયાદ કરી હતી. જોકે એક પણ બાળકને એનાથી મોટી તકલીફ હોવાનું માલૂમ પડ્યું નહોતું. તમામ બાળકોને બાળકોનાં નિષ્ણાત ડોક્ટરોએ તપાસ્યા હતા અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાની સલાહ આપી હતી.

બીએમસીનાં એક્ઝિક્યૂટિવ હેલ્થ ઓફિસર પદ્મજા કેસકરનું કહેવું છે કે ટીકડીઓની પૂરી ચકાસણી કર્યા બાદ જ એ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. તે છોકરીનાં મરણનું કારણ પોસ્ટ-મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.