પાકિસ્તાનમાંથી આયાત કરાયેલી ખાંડ નવી મુંબઈમાં વેચવા સામે ‘મનસે’ પાર્ટીની ચેતવણી

મુંબઈ – મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીએ પાકિસ્તાનમાંથી આયાત કરવામાં આવેલી ખાંડ નવી મુંબઈની બજારમાં વેચવામાં આવે અને એનું વિતરણ કરાય એની સામે આજે વિરોધ નોંધાવ્યો છે.

રાજ ઠાકરેની આગેવાની હેઠળની આ પાર્ટીએ કહ્યું છે કે પાકિસ્તાનમાંથી આયાત કરાયેલી ખાંડ અહીં વેચવામાં આવશે તો એ શેરડી ઉગાડતા સ્થાનિક કિસાનોનાં હિતની વિરુદ્ધ ગણાશે, એનાથી સ્થાનિક કિસાનોનો નફો ઘટી જશે.

મનસે પાર્ટીના સ્થાનિક નેતાઓ આજે નવી મુંબઈની વાશી કૃષિ ઉત્પાદન બજારમાં ગયા હતા અને હોલસેલના વેપારીઓને મળ્યા હતા. એમણે પાકિસ્તાની આયાત કરાયેલી ખાંડ વેચવા અંગે વેપારીઓને ચેતવણી આપી હતી.

મનસે પાર્ટીના નવી મુંબઈ એકમના પ્રમુખ ગજાનન કાળેએ કહ્યું છે કે, દેશમાં ખાંડનું ઉત્પાદન ઘટી ગયું છે. અધૂરામાં પૂરું, કેન્દ્ર સરકારે ખાંડની આયાત કરી છે અને તે પણ પાકિસ્તાનમાંથી. આને કારણે ખાંડનો સ્થાનિક ભાવ તૂટશે. અમે ખાંડની આવી આયાત કરવાની વિરુદ્ધમાં છીએ.

કાળેએ વધુમાં કહ્યું કે, મહારાષ્ટ્રના કિસાનોએ શેરડી ઉગાડવા માટે લોન માગી છે. ઘણા કિસાનોએ સ્થાનિક શાહુકારો (નાણાં વ્યાજે ધીરનાર) પાસેથી નાણાં ઉછીનાં લીધા છે. કેન્દ્ર સરકાર ખાંડની આયાત કરીને શેરડીના ઉત્પાદનમાંથી વધારે સારી કમાણી કરવાના કિસાનોનાં સપનાં ચકનાચૂર કરી રહી છે.