મહારાષ્ટ્રમાં દૂધ ઉત્પાદકો હડતાળ પર ઉતર્યા છે; એમને પ્રતિ લીટર રૂ. પાંચનો ભાવવધારો જોઈએ છે

મુંબઈ –  મહારાષ્ટ્રના સત્તાવાળાઓની ચેતવણીની અવગણના કરીને સંસદસભ્ય રાજુ શેટ્ટીની આગેવાની હેઠળના સ્વાભિમાની શેતકરી સંગટના સાથે સંકળાયેલા દૂધ ઉત્પાદકોએ રવિવાર મધરાતથી હડતાળ શરૂ કરી છે. આ હડતાળને કારણે પુણે, કોલ્હાપુર, નાગપુરમાં દૂધની અછત વર્તાઈ શકે છે.

મુંબઈમાં હજી હડતાળની અસર જણાઈ નથી. રાજુ શેટ્ટીએ 16 જુલાઈથી મુંબઈમાં દૂધ સપ્લાય કરવાનું બંધ કરવાનું એલાન કર્યું છે. રાજુ શેટ્ટી પોતે સ્થાપેલા સ્વાભિમાની પક્ષના સંસદસભ્ય છે. એ કોલ્હાપુર જિલ્લાના હાતકળંગલે મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા છે.

કોલ્હાપુર-પુણે હાઈવે પર દૂધની ટેન્કરનો વાલ્વ ખોલી નખાતા દૂધ ઢોળાવા માંડ્યું

પુણે, નાગપુરમાં હડતાળને કારણે દૂધ પુરવઠાને માઠી અસર પડી છે. કોલ્હાપુરમાં, ગોકુળ દૂધ સંઘ દ્વારા ભાવવધારા આંદોલન-હડતાળને સમર્થન આપવામાં આવ્યું છે. પુણે તથા ઔરંગાબાદમાં આંદોલનકારીઓએ દૂધની ગાડીઓમાંથી દૂધનાં કેન નીચે ઉતારી દૂધ રસ્તા પર ઢોળી નાખ્યું હતું અને દૂધની થેલીઓ રસ્તા પર ફેંકી દીધી હતી. અહમદનગરમાં રાજહંસ, પ્રભાત સહિત તમામ દૂધ સંકલન, વિતરણ કામકાજ બંધ રાખવામાં આવ્યું છે.

દૂધના ભાવમાં સતત કરાતા ઘટાડાથી સ્વાભિમાની શેતકરી સંગટના રોષે ભરાયું છે. એની માગણી છે કે લઘુત્તમ વેચાણ ભાવ તરીકે પ્રતિ લીટર રૂ. 30નો ભાવ નક્કી થવો જોઈએ. જેમ સાકર માટે ભાવ નક્કી કરાયો છે એવી રીતે એમને દૂધમાં ભાવવધારો જોઈએ છે.

દૂધના ભાવ હાલ ઘટીને પ્રતિ લીટર રૂ. 26-27 થઈ ગયા છે.

આંદોલનકારી દૂધ ઉત્પાદકોની માગણી છે કે પ્રતિ લીટર રૂપિયા પાંચની સબ્સિડી સીધા દૂધ ઉત્પાદક કિસાનોના બેન્ક ખાતામાં ટ્રાન્સફર થઈ જવા જોઈએ.

દૂધ બંધ આંદોલન શરૂ કરનાર સંસદસભ્ય રાજુ શેટ્ટી

મહારાષ્ટ્ર સરકાર એ માટે તૈયાર નથી, કારણ કે એમ કરવાથી રાજ્યની તિજોરી પર વાર્ષિક 4 અબજ રૂપિયાનો બોજો આવી પડે. કર્ણાટકમાં આવી યોજના અમલમાં છે.

દૂધ ઉત્પાદકોએ 16 જુલાઈથી હડતાળ પાડવાનું એલાન કર્યું હતું. ગઈ કાલે રાતે અમરાવતી જિલ્લામાં નાગપુર જતી એક દૂધની ટેન્કર પર પથ્થરમારો કરાયો હતો. તેથી SSSના રાજ્યપ્રમુખ રવિકાંત તુપકરે કહ્યું કે દૂધની એક પણ ટેન્કરને મહારાષ્ટ્રમાં પ્રવેશવા નહીં દેવાય. જો કોઈ પોલીસના રક્ષણ હેઠળ એને મહારાષ્ટ્રમાં પ્રવેશ કરાવવાનો પ્રયત્ન કરશે તો અમારા કાર્યકર્તાઓ હિંસા પર ઉતરશે.

મહારાષ્ટ્રમાં દૂધ હડતાળની અસર ગુજરાતમાં પણ થઈ શકે છે. સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં દૂધના કેન સાથેનો ડબ્બો જોડવામાં આવ્યો નથી.

આંદોલનકારી SSS અગાઉ ભાજપની આગેવાની હેઠળના એનડીએ જૂથનો હિસ્સો હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]