દૂધ ઉત્પાદકોની હડતાળને કારણે મુંબઈમાં દૂધની તંગી

મુંબઈ – મહારાષ્ટ્રના ખાનગી તથા સહકારી દૂધ ઉત્પાદક કિસાનોએ શરૂ કરેલું આદોલન આજે બીજા દિવસે પણ ચાલુ રહ્યું છે. આંદોલનકારીઓએ રાજ્યના પાટનગર મુંબઈ તથા પુણે માટે દૂધની સપ્લાય અટકાવી દીધી છે.

મુંબઈમાં ડેરીઓને દૂધ ઉત્પાદકો તરફથી મળતા દૂધની સપ્લાય 50 ટકા ઘટી ગઈ છે. ગોકુળ, વારણા બ્રાન્ડની દૂધ સહકારી મંડળીઓ પણ હડતાળમાં સામેલ થઈ છે.

દૂધ હડતાળ સ્વાભિમાની શેતકરી સંઘટનાનાં ઉપક્રમે શરૂ કરવામાં આવી છે.

દૂધ ઉત્પાદકોનો દાવો છે કે એમની હડતાળ 100 ટકા સફળ રહી છે. 6 હજાર દૂધ ઉત્પાદક સંસ્થાઓ અને પાંચ લાખ કિસાનો આ આંદોલનમાં સામેલ થયા છે. લગભગ 16 લાખ લીટર દૂધ એમણે એમના ઘરમાં જ રાખી, બહાર ન વેચીને આંદોલનને સફળ બનાવ્યું છે.

કોલ્હાપુરમાં ગોકુળ દૂધ મંડળીએ 11 લાખ 50 હજાર લીટર દૂધનું ઉત્પાદન બંધ રાખ્યું છે.

સોમવારે, ગોકુળ અને વારણા દૂધ ડેરીઓ દ્વારા એમની દૂધ ટેન્કરો મુંબઈ મોકલવાનો પ્રયત્ન કર્યો હતો, પણ રસ્તામાં આંદોલનકારીઓએ એ ટેન્કરોને અટકાવી દૂધને રસ્તાઓ પર ઢોળી નાખ્યું હતું.

મહારાષ્ટ્રના રેવેન્યૂ ખાતાના પ્રધાન ચંદ્રકાંત પાટીલે કિસાનોને અપીલ કરી છે કે તેઓ દૂધને વેડફી ન નાખે.

આંદોલનકારીઓએ મહારાષ્ટ્રના શહેરી વિસ્તારો માટે દૂધની સપ્લાય અટકાવી દીધી છે અને રાજ્યમાં ઠેકઠેકાણે તેઓ દૂધ રસ્તાઓ પર ઢોળી રહ્યા છે. એમની માગણી છે કે એમને મળતાં દૂધ પ્રાપ્તિ ભાવમાં પ્રતિ લીટર પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આંદોલનકારી દૂધ ઉત્પાદકો સાથે વાટાઘાટ કરવાની તૈયારી બતાવી છે, પરંતુ સ્વાભિમાની શેતકરી સંઘટનાના વડા અને કોલ્હાપુર જિલ્લાના સંસદસભ્ય રાજુ શેટ્ટીએ કહ્યું છે કે એમને હજી સુધી ફડણવીસનો ફોન આવ્યો નથી, કે એમની સાથે કોઈ ચર્ચા થઈ નથી.