તમામ રેલવે સ્ટેશનો પર દૂધના સ્ટોલ્સ શરૂ કરવાની યોજના

મુંબઈ – રેલવે તંત્ર દેશભરમાં તમામ રેલવે સ્ટેશનો પર દૂધ ઉપલબ્ધ થાય એવી યોજના ઘડી રહ્યું છે.

રેલવે પ્રધાન પીયૂષ ગોયલે એક બેઠક બાદ આ જાહેરાત કરી છે. એ બેઠકમાં ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરી, કૃષિ પ્રધાન રાધામોહન સિંહ, અમુલ ઈન્ડિયા અને દેશની ફૂડ સેફ્ટી નિયમો વિશેની સંસ્થા FSSAIના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

મહારાષ્ટ્રમાં બે દિવસથી દૂધ ઉત્પાદકો અને કિસાનોએ શરૂ કરેલા આંદોલનને કારણે મુંબઈ તથા રાજ્યના અનેક શહેરોમાં દૂધની તંગી સર્જાઈ છે. ડેરી સેક્ટરને નડતી સમસ્યા અંગે આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

રેલવે સ્ટેશનો પર દૂધ ઉપલબ્ધ થાય એ માટે રેલવે તંત્રને જણાવવાનું સૂચન કૃષિ મંત્રાલયે કર્યું હતું.

અમુલ ઈન્ડિયાનું પણ સૂચન હતું કે રેલવે તંત્ર ડેરી કંપનીઓને કે સહકારી દૂધ મંડળીઓને સ્ટેશનો પર સ્ટોલ્સ આપી શકે છે જેથી તેઓ એમના દૂધ ઉત્પાદનો વેચી શકે.

રેલવે તંત્ર હવે અન્ય મંત્રાલયો સાથે ચર્ચા કરશે. રેલવે જો નિર્ણયને અમલમાં મૂકશે તો દેશભરમાં દૂધનો વપરાશ વધી જશે.

મહારાષ્ટ્રમાં હજારો ડેરી કિસાનો અને દૂધ ઉત્પાદકોએ સોમવારથી હડતાળ પાડતાં સમગ્ર રાજ્યમાં દૂધની સપ્લાયને માઠી અસર પહોંચી છે. દૂધ ઉત્પાદકો પ્રતિ લીટર પાંચ રૂપિયાની સબ્સિડી તેમજ વધુ સારા પ્રાપ્તિ ભાવ માગે છે. તે ઉપરાંત સ્વાભિમાની શેતકરી સંઘટના તથા મહારાષ્ટ્ર કિસાન સભાએ માગણી કરી છે કે માખણ તથા દૂધના પાવડર પરથી જીએસટી દૂર કરવામાં આવે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]