મેવાણી, ખાલીદની સભા પોલીસે રદ કરી; મુંબઈમાં તંગદિલી

મુંબઈ – બુધવારે હિંસાગ્રસ્ત રહેલા મહારાષ્ટ્ર બંધ બાદ આજે ગુરુવારે શહેરની પોલીસે ગુજરાતના વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણી તથા જેએનયૂ વિદ્યાર્થી નેતા ઉમર ખાલીદ જ્યાં ભાગ લેવાના હતા એ છાત્ર સંમેલન માટે આપેલી પરવાનગી ઓચિંતી રદ કરી દીધી હતી.

સાથોસાથ, પુણે શહેરની પોલીસે ગઈ 31 ડિસેમ્બરે પુણેના શનિવારવાડા વિસ્તારમાં યોજાઈ ગયેલી એક સભામાં કથિતપણે ઉશ્કેરણીજનક ભાષણ કરવા બદલ આ બંને નેતા સામે એફઆઈઆર નોંધી છે.

મુંબઈ પોલીસે વિલે પારલે ઉપનગરમાં આવેલા ભાઈદાસ સભાગૃહ ખાતે આજે સવારે પહોંચીને છાત્ર ભારતી અખિલ ભારતીય વિદ્યાર્થી સંમેલનને અટકાવી દીધું હતું. આ સંમેલન ડાબેરી ઝોક તરફી લોકો માટે બોલાવવામાં આવ્યું હતું અને મેવાણી તથા ખાલીદ એમાં ભાષણ કરવાના હતા.

વિલે પારલેના ભાઈદાસ સભાગૃહની બહાર પોલીસ પહેરો

મેવાણીને ગુજરાતના રાજકારણના દલિત ચહેરા તરીકે ગણવામાં આવે છે. તેઓ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સંયોજક છે. એ ગયા મહિને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડનગરમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

મુંબઈ પોલીસે બુધવારના મહારાષ્ટ્ર બંધ બાદ આજે શહેરમાં અમુક પ્રતિબંધાત્મક આદેશો લાગુ કર્યા છે.

કેટલાક વિદ્યાર્થીઓએ પોલીસના આદેશની અવગણના કરીને ભાઈદાસ સભાગૃહમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પણ પોલીસોએ એમને હાંકી કાઢ્યા હતા. કેટલાકને પોલીસો વાનમાં બેસાડી દીધા હતા અને અટક કરી હતી.

મહારાષ્ટ્રના વિધાનસભ્ય કપિલ પાટીલે કહ્યું કે છાત્ર ભારતી સંમેલનમાં ભાગ લેવા આવેલી ઘણી છોકરીઓ સહિત 800 જેટલા વિદ્યાર્થીઓને પોલીસો વાનમાં બેસાડીને જુદા જુદા પોલીસ સ્ટેશનો ખાતે લઈ ગયા હતા જ્યાં એમને ઘણા કલાકો સુધી અટકાયતમાં રાખવામાં આવ્યા હતા.

પાટીલે કહ્યું કે પોલીસે ભાજપ-શિવસેના સરકારના કહેવાથી વિદ્યાર્થીઓ પર બળનો ઉપયોગ કર્યો હતો.

જુહુ પોલીસ સ્ટેશનની બહાર ઘણા વિદ્યાર્થીઓ એકત્ર થયા હતા અને સરકાર વિરોધી નારા લગાવ્યા હતા.