શહીદોની વીરપત્નીઓને મહારાષ્ટ્રની એસ.ટી. બસોમાં આજીવન મફત પ્રવાસની સુવિધા

મુંબઈ – દેશની સીમાઓનું રક્ષણ કરવા માટે પોતાના જાનનું બલિદાન આપનાર શહીદ જવાનની વીરપત્નીઓને મહારાષ્ટ્ર એસ.ટી. મહામંડળ તરફથી ‘શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે શહીદ સન્માન’ યોજના અંતર્ગત મહારાષ્ટ્ર રાજ્યમાં એસ.ટી.ની તમામ પ્રકારની બસોમાં આજીવન મફત પ્રવાસ કરવાની સુવિધા આપી છે.

એક શહીદ જવાનની વીરપત્નીને સ્માર્ટકાર્ડનું પ્રતિક આપતા મહારાષ્ટ્રના ગવર્નર વિદ્યાસાગર રાવ

આજે મહારાષ્ટ્ર સ્થાપના દિન નિમિત્તે અત્રે શિવાજી પાર્ક ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં રાજ્યના ગવર્નર વિદ્યાસાગર રાવના હસ્તે શહીદ જવાનોની વીરપત્નીઓને સ્માર્ટ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, પરિવહન પ્રધાન દિવાકર રાવતે, શિક્ષણ પ્રધાન વિનોદ તાવડે તથા ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે રાવતેએ જાહેરાત કરી હતી કે મહારાષ્ટ્ર સરકાર મહારાષ્ટ્ર રાજ્યના જે લશ્કરી જવાન એમની ફરજ દરમિયાન શહીદ થયા હશે એમની વીરપત્નીઓને રાજ્યભરમાં એસ.ટી. બસોમાં આજીવન મફત પ્રવાસ કરવા માટેના પાસ આપશે.

શહીદોની વીરપત્નીઓ માટેની આ સુવિધા આજથી જ શરૂ કરવામાં આવી છે. એ માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટની તમામ કચેરીઓને તમામ સૂચનાઓ આપી દેવામાં આવી છે. તે ઉપરાંત મહારાષ્ટ્રમાં તમામ જિલ્લા સૈનિક વેલ્ફેર ઓફિસો ખાતે પણ સૂચનાઓ આપી દેવાઈ છે.

ગવર્નર વિદ્યાસાગર રાવે શહીદોની વીરપત્નીઓને મફત એસ.ટી. બસ પ્રવાસ પાસનું વિતરણ કર્યું હતું.

httpss://twitter.com/Dev_Fadnavis/status/991182216834273280