સરકાર તૈયાર છે, વાટાઘાટ માટે મરાઠા નેતાઓ આગળ આવેઃ ફડણવીસ

મુંબઈ – મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે અમુક ચોક્કસ નેતાઓ પર એવો આરોપ મૂક્યો છે કે તેઓ રાજ્યમાં જાતિવાદના આધારે અશાંતિ ઊભી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તે છતાં એમણે કહ્યું છે કે અનામત માટે આંદોલન ચલાવી રહેલા મરાઠા સમાજે આંદોલન અને હિંસાનો સહારો લેવાને બદલે સરકાર સાથે ચર્ચા કરવા માટે આગળ આવવું જોઈએ.

ફડણવીસે કહ્યું છે કે મારી સરકાર મરાઠા સમાજને અનામતનો લાભ આપવા માટે પ્રતિબદ્ધ છે, પરંતુ એ મામલો મુંબઈ હાઈકોર્ટમાં છે.

ફડણવીસે કહ્યું કે બે વર્ષ પહેલાં મરાઠા આંદોલનકારોએ શાંતિપૂર્ણ અને મૂક રેલીઓ કાઢી હતી. એ પછી મારી સરકારે આ સમાજની સુખાકારી માટે અનેક નિર્ણયો લીધા હતા.

ઉલ્લેખનીય છે કે મરાઠા સમાજના સંગઠનોએ આજે સવારથી બપોર સુધી મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં પાળેલા બંધ દરમિયાન કેટલાક ઠેકાણે હિંસાના બનાવો બન્યા હતા.

ફડણવીસે કહ્યું કે મારી સરકાર મરાઠાઓને નોકરીઓ તથા શિક્ષણ સંસ્થાઓમાં અનામતનો લાભ આપવા પ્રતિબદ્ધ છે, પરંતુ એનો નિર્ણય હાઈકોર્ટે લેવાનો છે. સરકારે આ સંદર્ભમાં એક કાયદો પણ પાસ કર્યો હતો, પરંતુ હાઈકોર્ટે એને નકારી કાઢ્યો હતો. હાઈકોર્ટના નિર્ણય સામે સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, પણ એણે સ્ટે ઓર્ડર આપ્યો નથી. તેથી આ મામલો હવે હાઈકોર્ટમાં જ છે.

મુંબઈ બંધ દરમિયાન હિંસાચારઃ 447 જણની ધરપકડ

આજે મુંબઈમાં મરાઠા સમુદાયે પાળેલા બંધ દરમિયાન થયેલી હિંસાના સંબંધમાં પોલીસે 447 વ્યક્તિને અટકમાં લીધી છે.

દેખાવકારોએ એસ.ટી. અને ‘બેસ્ટ’ની બરો પર હુમલા કર્યા હતા, લોકલ ટ્રેનો પર પથ્થરમારો કર્યો હતો અને કેટલીક જગ્યાએ આગ પણ ચાંપી હતી.

પોલીસ પ્રવક્તાએ કહ્યું કે મુંબઈમાં 45 સ્થળે દેખાવો થયા હતા. અમુક જગ્યાએ મહાનગરપાલિકા સંચાલિત BEST બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, રસ્તાઓ પર ટ્રાફિક રોકવામાં આવ્યો હતો અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.