આજે ‘મહારાષ્ટ્ર બંધ’ છે; મુંબઈને આજે બાકાત રાખી ત્યાં બુધવારે બંધનું એલાન કરાયું છે

મુંબઈ – મરાઠા સમાજને સરકારી નોકરીઓમાં અનામત પ્રથાનો લાભ આપવામાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરાતા વિલંબ સામેના વિરોધમાં અને ગઈ કાલે ઔરંગાબાદ જિલ્લામાં દેખાવો દરમિયાન એક યુવકે ગોદાવરી નદીમાં ઝંપલાવીને કરેલી આત્મહત્યા સામેના વિરોધમાં મરાઠા ક્રાંતિ મોરચાએ આજે મહારાષ્ટ્ર બંધનું એલાન કર્યું છે.

આજના બંધમાં મુંબઈ, પુણે, સાતારા, સોલાપૂર જિલ્લાઓને બાકાત રાખવામાં આવ્યા છે. મુંબઈમાં આવતીકાલે બુધવારે બંધ પાળવાનું આંદોલનકારોએ નક્કી કર્યું છે.

ઔરંગાબાદ જિલ્લાના કેયગાંવ ગામના રહેવાસી કાકાસાહેબ શિંદે (28)નામના યુવકે ગઈ કાલે ઔરંગાબાદમાં એક પૂલ પરથી ગોદાવરી નદીમાં છલાંગ લગાવીને આત્મહત્યા કરી હતી. એના અંતિમસંસ્કાર આજે સવારે કરવામાં આવશે.

ઔરંગાબાદમાં આત્મહત્યા કરનાર યુવક કાકાસાહેબ શિંદે

મુંબઈ ઉપરાંત પૂણે, સોલાપૂર અને સાતારાને પણ આજના બંધમાંથી બાકાત રાખવામાં આવ્યા છે તેથી પંઢરપૂરથી પાછા ફરતા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ નહીં પડે.

ઔરંગાબાદમાં આજે બંધ સજ્જડ રહેશે. ત્યાં એસટી બસો બંધ છે. ઔરંગાબાદ-પુણે હાઈવે બંધ છે.

મરાઠા સમાજને સરકારી નોકરીઓ તથા શિક્ષણ સંસ્થાઓમાં ઓબીસી કેટેગરી હેઠળ 16 ટકા અનામત જોઈએ છે. મરાઠા લોકો એમની આ માગણી પર જોર લાવવા છેલ્લા એક વર્ષથી આંદોલન કરી રહ્યા છે. આ મુદ્દો હાલ મુંબઈ હાઈકોર્ટમાં છે.