મહારાષ્ટ્રભરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધનો આજથી અમલ

મુંબઈ – નોટિફિકેશન ઈસ્યૂ કર્યાના ત્રણ મહિના બાદ મહારાષ્ટ્ર સરકાર હવે આજથી મુંબઈ મહાનગર સહિત રાજ્યભરમાં પ્લાસ્ટિકની સિંગલ-યૂઝવાળી ચીજવસ્તુઓ અને થર્મોકોલની વ્યાપક રેન્જ પર સજ્જડ પ્રતિબંધ લાગુ કરી દેશે.

આ પ્રતિબંધનો ભંગ કરનારને રૂ. 5000થી લઈને રૂ. 25,000નો દંડ ફટકારવાની અને ત્રણ વર્ષની જેલની સજા કરવાની પણ જોગવાઈ છે.

પ્લાસ્ટિકની જે ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મૂકાયો નથી એનું રીસાઈક્લિંગ કરવામાં આવશે. એવી ભેગી થયેલી ચીજવસ્તુઓને રીસાઈક્લિંગ માટે મોકલી દેવામાં આવશે.

પર્યાવરણને હાનિ કરે એવા પ્લાસ્ટિકનો હદબહાર ઉપયોગ થતાં સરકારે આ પ્રતિબંધ લાગુ કર્યો છે.

પ્રતિબંધનો ભંગ કરવાના પહેલા ગુના બદલ રૂ. 5000નો દંડ થશે, ત્યારબાદ રૂ. 10 હજાર અને ત્રીજા વાર ગુના બદર રૂ. 25,000નો દંડ અને ત્રણ મહિનાની જેલની સજા થશે.

કાપડ અને શણ (jute)ની થેલીઓની ખરીદીમાં વધારો થઈ રહ્યો છે

જેમની પાસે પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ હજી પડેલી હોય એ તેમણે રસ્તા પર ગમે ત્યાં ન ફેંકી મહાનગરપાલિકાના સંકલન કેન્દ્રોમાં જમા કરાવી દેવો એવી સૂચના પાલિકા તંત્ર તરફથી આપવામાં આવી છે.

મુંબઈમાં મહાપાલિકાએ વિવિધ વિસ્તારોમાં 37 સંકલન કેન્દ્રો શરૂ કર્યા છે. શુક્રવાર સુધીમાં પાલિકા સંકલન કેન્દ્રોમાં 145 મેટ્રિક ટન પ્લાસ્ટિક કચરો એકઠો થયો હતો.

પ્લાસ્ટિક પ્રતિબંધનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવા માટે મહાપાલિકાએ 250 અધિકારીઓને સત્તા આપી છે. આ અધિકારીઓ આજથી શહેરના વિવિધ ભાગોમાં ફરીને ચાંપતી નજર રાખતા રહેશે.

મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન રામદાસ કદમે પ્રતિબંધિત પ્લાસ્ટિકના ગોદામોને સીલ કરી દેવાનો અધિકારીઓને આદેશ આપ્યો છે.

પ્લાસ્ટિકની આ ચીજો પર પ્રતિબંધ છે

– કોઈ પણ સાઈઝ, અને આકારની પ્લાસ્ટિકની થેલીઓ

– દરેક પ્રકારની શોપિંગ બેગ્સ (પ્લાસ્ટિકની થેલીઓ), પછી તે હેન્ડલવાળી હોય હેન્ડલ વગરની હોય, પ્રિન્ટિંગવાળી હોય કે એના વગરની હોય, કોઈ પણ પ્રકારની થિકનેસ (જાડાઈ)વાળા પ્લાસ્ટિકની હોય, કે કોઈ પણ મટિરીયલની હોય.

– રેસ્ટોરન્ટ્સ, હોટેલ્સમાં ખાદ્યચીજો કે પ્રવાહી વસ્તુને પેક કરવા માટે વપરાતા પ્લાસ્ટિકના ડબ્બાઓ તથા કટલરી ચીજો જેવી કે પ્લેટ્સ, ચમચીઓ, વાટકા, પાઉચ વગેરે

– ડેકોરેશન માટે વપરાતું થર્મોકોલ અને પ્લાસ્ટિક

– ફૂલો કે પુષ્પગુચ્છાઓને કવર કરવા માટે વપરાતું પ્લાસ્ટિક

– ડ્યૂટી ફ્રી શોપ્સમાંથી ખરીદેલી પ્લાસ્ટિકની થેલીઓ પણ. શહેરમાં પ્રવેશતા પહેલાં એવી થેલીઓને જમા કરાવી દેવાની રહેશે

– ઝિપ લોક થેલીઓ

– ક્લિન્ગ ફિલ્મ્સ

પ્લાસ્ટિકની આ ચીજો પર પ્રતિબંધ નથી

– પીવાના પાણી, કોલ્ડ ડ્રિન્ક્સ વગેરે માટેની ફૂડ-ગ્રેડ PET બોટલ્સ (તમામ સાઈઝની – 200 એમએલ, 500 એમએલ, 1 લીટર વગેરે)

– ટપરવેર તથા અન્ય એવા પ્લાસ્ટિકના ડબ્બા (કન્ટેનર્સ) જે એર-ટાઈટ હોય, લોકવાળા હોય વગેરે અને જેનો ઉપયોગ સ્ટોરેજ તથા જમવા માટે (ટિફિન તરીકે) કરાતો હોય

– દૂધના પાઉચ

– એવું કોઈ પણ પ્લાસ્ટિક પેકેજિંગ, જેનું પેકિંગ ઉત્પાદન વખતે કરાયું હોય – તેથી પ્રિન્ટેડ, લેમિનેટેડ પેકેટ્સ, કન્ટેનર્સ ધરાવતી વેફર્સ, બિસ્કીટ, ફરસાણ, કેચઅપ, ઘી, તેલ, ચોકલેટ, પાપડ વગેરે જેવી ચીજવસ્તુઓ

– દવાઓ માટેનું પ્લાસ્ટિક પેકેજિંગ

– કોઈ પણ પ્રી-પેકેજ્ડ પ્રોડક્ટ

– નર્સરી, હોર્ટિકલ્ચર, એગ્રીકલ્ચરના પ્લાન્ટ્સ માટે વપરાતું પ્લાસ્ટિકનું મટિરીયલ

– સીધી નિકાસ માટેનું હોય એવું કોઈ પણ પ્લાસ્ટિક

– ગ્લોવ્સ અને માથાને આવરી લેતી વૂવન કેપ્સ (જે રેસ્ટોરન્ટ્સમાં રસોઈયાઓ વાપરતા હોય છે)