પુણેમાં મરાઠા અનામત આંદોલન હિંસક બન્યું; પોલીસે 144મી કલમ લાગુ કરી

પુણે – મરાઠા સમાજને સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં 16 ટકા બેઠક અનામત રાખવાની માગણી પર ચાલી રહેલા આંદોલને આજે ફરી મહારાષ્ટ્રમાં માથું ઉંચક્યું છે. પુણેમાં આંદોલને હિંસક વળાંક લીધો છે. પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતાં ચાકણ વિસ્તારમાં પોલીસે 144મી કલમ લાગુ કરી દીધી છે જે અંતર્ગત ટોળું જમાવવા પર પ્રતિબંધ મૂકાઈ ગયો છે.

ચાકણમાં દેખાવકારોએ હિંસક બની જઈ 25-30 વાહનોને આગ લગાડી હતી. એમણે 4 શિવશાહી બસની તોડફોડ કરી નાખી હતી.

દેખાવકારોએ કરેલા પથ્થરમારામાં એક ડીવાયએસપી સહિત અનેક પોલીસ અધિકારી ઘાયલ થયા છે.

અનામતની માગણી માટે આજે મરાઠા ક્રાંતિ મોરચાએ પુણે શહેરમાં વિશાળ મોરચો કાઢ્યો હતો. એને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. પુણેના ગ્રામીણ વિસ્તારમાં આજે સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો.

પુણે-નાશિક હાઈવે પર આંદોલનકારોએ રસ્તા-રોકો કર્યું હતું અને મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા.

પુણે-નાશિક હાઈવે સંપૂર્ણપણે બંધ છે.

ચાકણમાં આંદોલનકારો અને પોલીસો વચ્ચે અથડામણ થયા બાદ દેખાવકારોએ રસ્તા પરના વાહનોની તોડફોડ કરી હતી અને આગ લગાવી હતી. એમણે એસ.ટી. બસોને પણ આગ લગાડી હતી.

પોલીસોની મોટી ફોજ તહેનાત કરવામાં આવી છે.

આંદોલનકારોને વિખેરવા પોલીસે અશ્રુવાયુના 20 શેલ્સ ફોડ્યા હતા.