ઠાકરેની શપથ વિધિ: સાથે આ મંત્રીઓ પણ લઇ શકે શપથ

મુંબઈ: મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદની શપથ લેશો. તેમની સાથે દરેક પાર્ટીમાંથી 2 2 એમ કુલ છ મંત્રીઓ પણ શપથ લે તેવી શક્યતા છે. આ મંત્રીઓમાં શિવસેનાના એકનાથ સિંદે અને સુભાષ દેસાઈ, એનસીપીના જયંત પાટીલ અને છગ્ગન ભૂજબલ અને કોંગ્રેસના બાલાસાહેબ થોરાટ અને અશોક ચવ્હાણના નામ ચર્ચામાં છે.

એનસીપીના સુત્રો અનુસાર, અજીત પવાર ડેપ્યૂટી સીએમ બની શકે છે, પણ તે આજે શપથ નહીં લે. અજીત પવારને તેમની જ પાર્ટીના નેતા જયંત પાટીલ સામે ટક્કર મળી શકે છે, જયંત પાટીલને પવારની જગ્યાએ એનસીપી વિધાયક દળના નેતા બનાવવામાં આવ્યા હતાં. કોંગ્રેસને સ્પીકરનું પદ આપવામાં આવ્યું છે, જેના માટે પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણનું નામ પર ચર્ચા ચાલી રહી છે.

મહારાષ્ટ્રના 43 મંત્રીઓમાં એનસીપીના 16, શિવસેનાના 15 અને કોંગ્રેસના 12 નેતાઓને મંત્રી પદ મળી શકે છે. સુત્રોનું કહેવું છે કે, હજુ મંત્રાલયની વહેંચણીને લઈને અંતિમ નિર્ણય બાકી છે. કોંગ્રેસને સ્પીકર પદ મળ્યા બાદ કથિત રીતે એનસીપી વધારના મંત્રાલયની માંગ કરી શકે છે.

રાજ્યમાં ભાજપને સત્તાથી દૂર રાખ્યા બાદ ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં સરકાર બનવા જઈ રહી છે. આ સરકારમાં હિન્દુત્વ જેવા મુદ્દાઓને કોઈ સ્થાન નહીં હોય તેના બદલે ખેડૂતો, મહિલાઓ અને યુવાઓને રોજગાર આપવા જેવા મુદ્દાઓ મહત્વના હશે. એક એવો કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે, જેમાં વિવાદીત મુદ્દાઓને બહાર રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી સરકાર પર કોઈ મુશ્કેલી ન આવે.

એનસીપી સાંસદ માજિદ મેનનનું કહેવું છે કે, હિન્દુત્વનના મુદ્દાનું કોઈ સ્થાન નથી. જમીન સ્તર પર કામ કરી ને સરકારને આગળ વધારશું. તો આ ગઠબંધન પર કટાક્ષ કરતા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે, હિન્દુત્વ અને સેક્યૂલર બંન્ને એક સાથે આવ્યા છે, હવે જોવાનું રહેશે કે કેટલા દિવસ ગાડુ ચાલશે.

કોંગ્રેસ અને એનસીપીનું માનવું છે કે, શિવસેનાના હિન્દુત્વના મુદ્દાથી હાલ એટલો ખતરો નથી જેટલો ભાજપના હિન્દુત્વથી છે. આમ પણ મહારાષ્ટ્રમાં સરકાર સંયુક્ત કાર્યક્રમથી જ ચાલશે ન કે કોઈ પાર્ટીની વિચારધારાથી.