કોરોના ડેલ્ટા-પ્લસઃ આખા મહારાષ્ટ્રમાં સમાન-નિયંત્રણો લાગુ

મુંબઈઃ મહારાષ્ટ્રના અનેક ભાગોમાં કોરોનાવાઈરસ મહાબીમારીના નવા ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના અનેક કેસ નોંધાતાં રાજ્ય સરકારે આજે એક ઓર્ડર બહાર પાડીને કોરોના-નિયંત્રણોને વધારે કડક બનાવ્યા છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળ આજે મળેલી પ્રધાનમંડળની બેઠકમાં અતિરિક્ત નિયંત્રણોનો કડક અમલ કરાવવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે પણ કોરોના રોગચાળાના આ નવા ચેપી પ્રકારના ફેલાવા વિશે ચિંતા વ્યક્ત કરી હોવાથી મહારાષ્ટ્ર સરકાર સમગ્ર રાજ્યમાં કોરોનાને રોકવા માટે સમાન સ્તરે નિયંત્રણો લાગુ કરી દીધા છે. રાજ્ય સરકારના ઓર્ડરમાં જણાવાયું છે કે રાજ્યના ગમે તે શહેર કે વિસ્તારમાં કોરોના-પોઝિટિવિટી રેટ ગમે તેટલો હોય, લેવલ-3ના નિયંત્રણો બધે ઠેકાણે ચાલુ રહેશે. અગાઉ અનલોક પ્રક્રિયા અંતર્ગત લેવલ-1 કેટેગરીમાં મૂકાયેલા શહેર-જિલ્લાઓને કોરોના નિયંત્રણોમાંથી સંપૂર્ણપણે મુક્ત કરી દેવામાં આવ્યા હતા. લેવલ-3 નિયંત્રણો અંતર્ગત આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો અને ઓફિસોને અઠવાડિયાના સાતેય દિવસ સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લી રાખવા દેવામાં આવશે. જ્યારે બિન-આવશ્યક ચીજોની દુકાનો-ઓફિસોને માત્ર સોમથી શુક્રવારના દિવસોએ જ ચાલુ રાખવા દેવામાં આવશે. શનિ-રવિવારે આ દુકાનો બંધ રહેશે.

રાજ્યના આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ તેમજ આરોગ્ય નિષ્ણાતોએ કોરોનાના નવા વેરિઅન્ટ વિશે રાજ્યના પ્રધાનોને માહિતગાર કર્યા હતા અને આ ચેપની ગંભીરતાથી જણાવી હતી. મહારાષ્ટ્રના સાત જિલ્લામાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ નોંધાયા છે.