મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાઈરસના કેસોમાં ઘટાડો થતાં રાજ્ય સરકારે કોવિડ-19 સંબંધિત નિયંત્રણોમાં વધુ છૂટ આપી છે. સરકારી સર્ક્યૂલરમાં જણાવ્યા મુજબ, કન્ટેનમેન્ટ ઝોનની બહાર નૌકાવિહાર (બોટિંગ), વોટર સ્પોર્ટ્સ, એમ્યુઝમેન્ટ પાર્કની પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવાની પરવાનગી આપી છે.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની રાજ્ય સરકારે લોકડાઉન નિયંત્રણોમાં તબક્કાવાર છૂટ આપવાની અપનાવેલી નીતિના ભાગ રૂપે આ જાહેરાત કરવામાં આવી છે. સરકારે વોટર સ્પોર્ટ્સ તેમજ બોટિંગ અને મનોરંજન/એમ્યુઝમેન્ટ પાર્ક જેવી સુવિધાઓ ફરી શરૂ કરવાની મંજૂરી આપી છે. જોકે આ પ્રવૃત્તિઓ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ તથા કોવિડ-19નો ફેલાવો રોકવા માટેની સાવચેતીઓ ચાલુ જ રાખવી પડશે.