મહારાષ્ટ્ર સરકારે મહાપાલિકા, નગરપાલિકાઓનાં કર્મચારીઓ માટે 7મા પગારપંચની ભલામણોને મંજૂર રાખી

0
591

મુંબઈ – મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આડે હવે જૂજ મહિના બાકી રહ્યા છે ત્યારે રાજ્યની મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓ, નગરપરિષદો, નગર પંચાયત, એમ તમામ સ્થાનિસ સ્વરાજ સંસ્થાઓનાં કર્મચારીઓ માટે ખુશખબર છે. આ કર્મચારીઓ માટે સરકારે સાતમા વેતન પંચે કરેલી ભલામણોનો સ્વીકાર કરી લીધો છે.

સાતમા પગાર પંચની ભલામણોને આ વર્ષની 1 સપ્ટેંબરથી લાગુ કરવાનો રાજ્ય સરકારે આજે નિર્ણય લીધો છે.

રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળ કેબિનેટની આજે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

રાજ્ય વિધાનસભાની ચૂંટણી આ વર્ષના ઓક્ટોબરમાં નિર્ધારિત છે.

રાજ્યની 26 મહાનગરપાલિકાઓ અને 362 મ્યુનિસિપલ કાઉન્સિલો તથા નગર પંચાયતોનાં લાખો કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક લાભ આપવા માટે સરકારે રૂ. 409 કરોડની ફાળવણી કરી છે.

કર્મચારીઓને 2016ના જાન્યુઆરીથી 2019ના ઓગસ્ટ સુધીના એરિયર્સની રકમ આવતા પાંચ વર્ષમાં વાર્ષિક હપ્તાઓમાં ચૂકવવામાં આવશે.

સરકારના આ નિર્ણયને કારણે કર્મચારીઓનાં પગારમાં ધરખમ વધારો થશે. સાત લાખ નિવૃત્ત કર્મચારીઓને પણ લાભ થશે.