મહારાષ્ટ્ર સરકાર નાગરિકોને મફતમાં કોરોના-રસી આપવા તૈયાર

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે એવો સંકેત આપ્યો છે કે કેન્દ્ર સરકાર જો રાજ્યની જનતાને કોરોના વાઈરસની રસી મફતમાં નહીં આપે તો રાજ્ય સરકાર આપવા તૈયાર છે. રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું છે કે રાજ્ય સરકારે માગણી કરી છે કે કેન્દ્ર સરકારે લોકોને મફતમાં કોવિડ-19 રસી આપવી જોઈએ. જો તે નહીં આપે તો રાજ્યની જનતાને તે મફતમાં આપવાની જવાબદારીમાંથી અમે પીછેહઠ નહીં કરીએ.

ટોપેએ કહ્યું કે, જો કેન્દ્ર સરકાર સામુહિક રસીકરણ પ્રક્રિયાને આ મહિનાના અંતે મંજૂરી આપશે તો મહારાષ્ટ્રમાં પહેલા રાઉન્ડમાં આશરે ત્રણ કરોડ લોકોને તે રસી આપવામાં આવશે. એમાં તમામ મેડિકલ કર્મચારીઓ, સેવા બજાવવામાં મોખરે રહેતા કર્મચારીઓ, 50 વર્ષથી વધુની વયના લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે. પહેલા રાઉન્ડમાં જે લોકોને પસંદ કરાશે એ દરેકને એના મોબાઈલ ફોન નંબર પર એસએમએસ મોકલવામાં આવશે. પહેલો ડોઝ લીધા બાદ વ્યક્તિએ સુવિધા કેન્દ્રમાં અડધો કલાક સુધી રોકાવું પડશે.