શુભ દિવાળી, શુદ્ધ દિવાળીઃ મુંબઈમાં મીઠાઈમાં ભેળસેળ કરનારાઓ પર FDA વિભાગના દરોડા

0
1649

મુંબઈ – દિવાળી-2018 ઢૂંકડી આવી છે અને લોકો મીઠાઈની ખરીદીનો પ્લાન કરવા માંડ્યા છે ત્યારે એમને ભેળસેળવાળી, તબિયત માટે હાનિકારક મીઠાઈ ન મળે, સારી ગુણવત્તાવાળાં મીઠાઈ/મિષ્ટાન્ન મળે એની મહારાષ્ટ્ર સરકારે પૂરી તકેદારી લીધી છે. લોકોએ પણ મીઠાઈની ખરીદી કરતી વખતે કાળજી રાખવાની જરૂર છે.

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) વિભાગના અધિકારીઓએ અનેક મીઠાઈ દુકાનો, કારખાનાઓ પર દરોડા પાડીને 21,225 કિ.ગ્રા. માવો, 1,55,652 કિલોગ્રામ ખાદ્ય તેલ અને વનસ્પતિ ઘી તથા 46,976 કિલોગ્રામ મીઠાઈ જપ્ત કર્યાં છે. આ બધુંય ભેળસેળવાળું હોવાનું એમને માલૂમ પડ્યું હતું.

FDA અધિકારીઓએ 17,552 કિલોગ્રામ સ્પેશિયલ બરફીનો માલ કબજે કર્યો છે. આ મીઠાઈ ટ્રેન દ્વારા અમદાવાદથી મુંબઈ લાવવામાં આવી હતી. આ બરફીને એવી જોખમી હાલતમાં મુંબઈ લાવવામાં આવી હતી કે એ ખાનારનું આરોગ્ય બગડી જ જાય.

આ ઉપરાંત મહારાષ્ટ્ર રાજ્યભરમાં દરોડા પાડીને અધિકારીઓએ 32,509 કિલોગ્રામ ભેળસેળવાળો રવો, ફરસાણ તથા મેંદો પણ જપ્ત કર્યા છે.

સરકારે લોકોને અપીલ કરી છે કે એમણે મીઠાઈ માત્ર રજિસ્ટર્ડ, લાઈસન્સ મેળવનાર દુકાનોમાંથી જ ખરીદવી અને ફેરિયાઓ પાસેથી ખરીદવી નહીં, ભલે એ લોકો ખૂબ સસ્તા ભાવે તે વેચતા હોય તે છતાં.

લોકોને મીઠાઈમાં ભેળસેળની જાણકારી મળે તો FDA વિભાગને આ હેલ્પલાઈન નંબર પર ફોન કરી શકે છે – 1800222365.

ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારાઓને આજીવન કેદની સજા ફટકારવા માટે મહારાષ્ટ્ર સરકાર એક કાયદો લાવવાના પ્રયાસમાં જ છે.