ભાજપનું ‘સંકલ્પ પત્ર’: આગામી પાંચ વર્ષમાં એક કરોડ નાગરિકોને નોકરીનું વચન

મુંબઈ – મહારાષ્ટ્રની આગામી વિધાનસભા ચૂંટણી માટે શાસક યુતિના ભાગીદાર પક્ષ ભારતીય જનતા પાર્ટીએ આજે તેનું ચૂંટણી ઘોષણાપત્ર રિલીઝ કર્યું છે, જેને પાર્ટીએ ‘સંકલ્પ પત્ર’ નામ આપ્યું છે.

તેમાં ભાજપે જાહેર કર્યું છે કે ભાજપ સત્તા પર આવશે તો આગામી પાંચ વર્ષમાં એક કરોડ નાગરિકોને રોજગાર આપવામાં આવશે.

અત્રે બાન્દ્રા ખાતેના રંગશારદા સભાગૃહમાં આયોજિત કાર્યક્રમમાં ભાજપનું ‘સંકલ્પ પત્ર’ રિલીઝ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ જે.પી. નડ્ડા, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ભાજપના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ, મુંબઈ ભાજપ પ્રમુખ મંગલ પ્રભાત લોઢા તથા અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

‘સંકલ્પ પત્ર’ રિલીઝ કરતી વખતે જે.પી. નડ્ડાએ મુખ્ય પ્રધાન તરીકે ફડણવીસે બજાવેલી કામગીરીની પ્રશંસા કરી હતી અને કહ્યું કે ફડણવીસે મહારાષ્ટ્રની રાજકીય સંસ્કૃતિને બદલી નાખી છે. મહારાષ્ટ્રની છાપ અગાઉ સંપૂર્ણપણે ભ્રષ્ટ રાજ્ય તરીકેની હતી, પણ હવે તે ભ્રષ્ટાચાર-મુક્ત રાજ્ય થઈ ગયું છે.

‘સંકલ્પ પત્ર’ જાહેર કરતાં ફડણવીસે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં વીતી ગયેલા પાંચ વર્ષમાં જે કાર્યો થયા છે તેના અનુભવ પરના અધારે કિસાનોને દુકાળ-મુક્તિ, તરુણ વયનાં લોકો માટે રોજગાર, પાયાગત સુવિધાઓ વગેરે બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે 288-સીટવાળી મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભાની ચૂંટણી 21 ઓક્ટોબરે યોજાવાની છે અને મતગણતરી તથા પરિણામ માટે 24 ઓક્ટોબરનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે.


આ છે, ભાજપના ‘સંકલ્પ પત્ર’માંની મહત્ત્વની જાહેરાતોઃ

  • મહારાષ્ટ્ર રાજ્યને દુકાળ-મુક્ત કરીશું
  • રાજ્યના દુકાળગ્રસ્ત ભાગોમાં પીવાનું પાણી પહોંચાડવાનું કામ કરીશું
  • કોંકણ પ્રદેશમાં પીવાની પાણીની સમસ્યા ઉકેલીશું
  • મરાઠવાડામાં વોટર ગ્રીડ પ્રોજેક્ટ શરૂ કરાવીશું
  • રાજ્યમાં પાંચ વર્ષમાં 1 કરોડ નાગરિકોને નોકરી આપીશું
  • એક કરોડ મહિલાઓને બચત ભંડોળ સાથે જોડીને એમને માટે રોજગારની વિશેષ તક ઊભી કરી આપીશું
  • દરેક બેઘરને 2022 સુધીમાં ઘર આપીશું અને પ્રત્યેકને પીવાનું પાણી આપીશું
  • પાયાગત સુવિધાઓમાં કેન્દ્ર સરકારની મદદ સાથે પાંચ લાખ કરોડનું મૂડીરોકાણ કરવામાં આવશે
  • મહારાષ્ટ્ર રાજ્યમાં તમામ પ્રકારના રસ્તાઓને કાયમી સ્વરૂપે દેખભાળ કરવા માટે સ્વતંત્ર યંત્રણા ઊભી કરીશું
  • મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત તમામ વિસ્તારોને મુખ્ય માર્ગો સાથે જોડવામાં આવશે. એ માટે મુખ્યમંત્રી ગ્રામસડક યોજનાનો બીજો તબક્કો 30 હજાર કિ.મી. લાંબો કરવામાં આવશે. ગ્રામીણ રસ્તાઓ બનાવવામાં આવશે
  • મહારાષ્ટ્રભરમાં ભારત નેટ અને મહાનેટ માધ્યમ દ્વારા ઈન્ટરનેટથી જોડવામાં આવશે.
  • આરોગ્ટની દ્રષ્ટિએ પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના અને મહાત્મા ફુલે જનારોગ્ય યોજનાનો વ્યાપ વધારીને પૈસાના અભાવે કોઈને તબીબી સારવારથી વંચિત રહેવા દેવામાં નહીં આવે
  • પાંચમા ધોરણ સુધી પાઠ્યપુસ્તકોમાં ખેતી પર આધારિત અભ્યાસક્રમ લાગુ કરવામાં આવશે
  • રાજ્યમાં તમામ શહિદ જવાન, ભૂતપૂર્વ સૈનિક, ફરજ બજાવતી વખતે મૃત્યુ પામેલા પોલીસ જવાનોનાં કુટુંબીઓના પુનર્વસન માટે વિશેષ યોજના બનાવાશે
  • મહારાષ્ટ્રમાં અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓમાં રૂપિયા પાંચ લાખ કરોડનું મૂડીરોકાણ કરવામાં આવશે.