શરદ પવાર 27 સપ્ટેંબરે સામે ચાલીને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટની ઓફિસે જશે

મુંબઈ – મની લોન્ડરિંગને લગતા એક કેસમાં તપાસનીશ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવાર અને એમના ભત્રિજા અજિત પવારનું નામ આપ્યું છે. પવારે કહ્યું છે કે પોતે કેન્દ્રીય શાસકો સામે ઝૂકશે નહીં અને આવતા શુક્રવારે ઈડીની ઓફિસે જશે.

પવારે આજે અહીં પત્રકાર પરિષદ બોલાવી હતી અને કહ્યું કે મહારાષ્ટ્ર છત્રપતિ શિવાજી મહારાજના આદર્શોને અનુસરે છે. અમે દિલ્હીના શાસકો સામે ઝૂકી નહીં જઈએ.

ઈડી એજન્સીએ મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવને સંડોવતા રૂ. 25 હજાર કરોડના કથિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં શરદ પવાર અને અજિત પવાર સામે કેસ નોંધ્યો છે.

પવારે કહ્યું કે હું ઈડીની મુંબઈ ઓફિસે જઈશ અને તપાસ અધિકારીના સવાલોના જવાબ આપીશ. 21 નવેંબરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તો હું એક મહિના માટે એના પ્રચારકાર્યમાં વ્યસ્ત રહીશ. એટલે આવતા શુક્રવારે જ ઈડીની ઓફિસમાં જઈને મળી આવવાનો મેં નિર્ણય લીધો છે.

પવારે એમ પણ કહ્યું કે એવું બને કે ઈડી ઓફિસરો મને સમન્સ મોકલે, પણ ચૂંટણીની વ્યસ્તતાને કારણે હું એમની ઓફિસે મળવા જઈ ન શકું. એને કારણે ઈડીના અધિકારીઓને કોઈ ગેરસમજ ઊભી ન થાય એટલા માટે હું સામે ચાલીને જ 27 સપ્ટેંબરે મુંબઈમાં એમની ઓફિસે જઈને મળી આવીશ.

મહારાષ્ટ્રની ચૂંટણી પૂર્વે જ ઈડી એજન્સીએ કેસ ઉઠાવ્યો એના ટાઈમિંગ વિશે પણ પવારે સવાલ ઉઠાવ્યો છે. જનતા બહુ સ્માર્ટ છે. મારી સામે પગલું ભરવાના ટાઈમિંગને એ લોકો બરાબર સમજે છે. રાજકીય કિન્નાખોરીની શક્યતાને નકારી શકાય નહીં.

ઉલ્લેખનીય છે કે પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત એન્ફોર્સમેન્ટ કેસ ઈન્ફોર્મેશન રિપોર્ટ (ECIR) નોંધ્યો છે જે પોલીસ દ્વારા નોંધવામાં આવતી FIR (ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ) ફરિયાદ જેવો જ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]