Cheers!… મુંબઈમાં થર્ટી ફર્સ્ટની સવાર સુધી બીયર બાર ખુલ્લા રહેશે

મુંબઈ – મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં નાતાલ તહેવાર અને નવા 2020ના વર્ષની પૂર્વસંધ્યાની ઉજવણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 24, 25 અને 31 ડિસેંબરે સવારે પાંચ વાગ્યા સુધી બીયર બાર ખુલ્લા રાખવા દેવાની પરવાનગી આપી છે. જ્યારે વાઈન શોપ્સ રાતે લગભગ 1 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.

લોકોને અપીલ કરવામાં આવી છે ક્રિસમસ તહેવાર નિમિત્તે પાર્ટી કરનારાઓએ પોતાનો શરાબ લઈ જતી વખતે સાવધાન રહેવું.

હલકી ગુણવત્તાવાળા અને ગેરકાયદેસર શરાબથી આરોગ્ય ખરાબ થાય છે એ વાત ધ્યાનમાં રાખવી એટલે એવો શરાબ પીવો નહીં.

પરમીટ ધારક દુકાનમાંથી શરાબ ખરીદી શકે છે. રાજ્ય સરકારે આ બાબતમાં આદેશ ઈસ્યૂ કર્યો છે.

3 કરોડથી વધારે કિંમતનો ભેળસેળવાળો શરાબ જપ્ત

મહારાષ્ટ્રના એક્સાઈઝ ડ્યૂટી (આબકારી જકાત) વિભાગના અધિકારીઓએ અનેક સ્થળો ખાતે દરોડો પાડીને ગેરકાયદેસર અને હલકી ગુણવત્તાવાળો શરાબ પકડી પાડ્યો છે. આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં રૂ. 3 કરોડથી વધારે કિંમતનો ખરાબ શરાબ પકડી પાડવામાં આવ્યો છે. આ બાબતમાં અનેક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. અનેક કારખાનાઓ અને ગોદામોને સીલ કરી દેવામાં આવ્યા છે.

સરકારે કહ્યું છે કે અનેક બ્રાન્ડના ભેળસેળવાળા શરાબ વેચવામાં આવી રહ્યા છે. આવો શરાબ આરોગ્ય માટે સારો નથી, એવું એક્સાઈઝ ડ્યૂટી વિભાગના મહિલા કમિશનર પ્રાજક્તા વર્માએ કહ્યું છે.

દારૂની દુકાનોને રાતે 11.30 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવી છે. જ્યારે પરમિટ રૂમ્સ રાતે 1.30 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાય છે.

મુંબઈના સાકીનાકા વિસ્તારમાં આબકારી જકાત વિભાગના અધિકારીઓએ પાડેલા દરોડામાં રૂ. 13 લાખનો ભેળસેળવાળો શરાબ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં રાહુલ પરમારની ધરપકડ કરી છે.

પાર્ટી કરનારાઓને સલાહ

સરકારે નવા વર્ષ નિમિત્તે દારૂની પાર્ટી પરમિટ રૂમમાં અથવા ઘરમાં કરવાની લોકોને સલાહ આપી છે.

સરકારે લોકોને જાહેર સ્થળોએ શરાબ પીવાની મનાઈ ફરમાવી છે.

એવી જ રીતે, બાળકોની સાથે શરાબ ન પીવાની પણ ચેતવણી આપવામાં આવી છે.

આ નિયમોનો ભંગ કરનારાઓને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારાશે અથવા છ મહિના સુધીની જેલની સજા કરવામાં આવશે.