ધૂળેમાં બાળકચોરોની શંકા પરથી પાંચ જણની ટોળા દ્વારા હત્યાઃ 23 ગામવાસીની ધરપકડ

ધૂળે (મહારાષ્ટ્ર) – બાળકોને ઉપાડી જતા હોવાની શંકા પરથી ગઈ કાલે રવિવારે ધૂળે જિલ્લાના આદિવાસી વિસ્તારના એક ગામમાં જે પાંચ જણને ગામના લોકોએ રહેંસી નાખ્યા હતા એમના આઘાતજનક પરિવારજનોએ એમના મૃતદેહો સ્વીકારવાનો ઈનકાર કર્યો છે અને એવી માગણી કરી છે કે એમને ન્યાય મળવો જોઈએ અને વળતર મળવું જોઈએ.

વિપક્ષ કોંગ્રેસે આ બનાવ માટે ભાજપ સરકારને ટાર્ગેટ બનાવીને કહ્યું છે કે સરકાર આ બનાવ રોકવામાં નિષ્ફળ ગઈ છે.

‘નાથ ગોસાવી’ નામની એક ભટકતી જાતિના લગભગ છ જેટલા ભિક્ષુકોનું એક જૂથ ધૂળે શહેરથી આશરે 80 કિ.મી. દૂર આવેલા આદિવાસીઓના રાઈનપાડા ગામમાં રવિવારે બપોરે ગામમાં એક એસ.ટી. બસમાંથી ઉતર્યું હતું. તેઓ પેટિયું રળવા માટે (કામધંધો મેળવવાની આશાએ) આ ગામમાં આવ્યા હતા, પરંતુ આ લોકો બાળકોનું અપહરણ કરનારાઓ છે એવું સમજીને મોટી સંખ્યામાં એકત્ર થયેલા ગામવાસીઓએ એમની પર લાઠીઓ, પથ્થરો વડે હુમલો કર્યો હતો. બાદમાં એ પાંચેય જણને એક રૂમમાં લઈ જવામાં આવ્યા હતા અે ત્યાં પણ એમને ઢોરમાર માર મારવામાં આવ્યો હતો. એને કારણે ઘાયલ થયેલા પાંચેય જણ ગ્રામ પંચાયતની કચેરી નજીક મૃત્યુ પામ્યા હતા. મૃતકોને ભારત શંકર ભોસલે (45), દાદારાવ શંકર ભોસલે (36), રાજુ ભોસલે (47), અપ્પા શ્રીમંત ઈંગોલે (20) અને ભારત માળવે (45) તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે. આમાંના, ચાર જણ સોલાપુરના મંગલવેઢા ગામના હતા જ્યારે એક જણ, રાજુ ભોસલે કર્ણાટકના ગોંદવણ ગામનો રહેવાસી હતો.

પાંચમાંના ચાર મૃતકો

મૃતદેહોને ત્યારબાદ ઓટોપ્સી માટે એક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે પણ એ ઘટનાના સંબંધમાં 23 જણને અટકમાં લીધા હતા.

બનાવની વિગત મુજબ, મૃતકો રવિવારે બપોરે રહિનપાડા ગામની મુખ્ય બજારમાં ફરતા હતા. એમાંના એક જણે એક છોકરી સાથે વાતચીત કરી હતી. એમાં ગામવાસીઓએ એવું માની લીધું હતું કે આ લોકો બાળકોનું અપહરણ કરનારાઓ છે. જોતજોતામાં લોકોનું મોટું ટોળું જમા થઈ ગયું હતું અને લોકો એ પાંચેય જણ પર નિર્દયતાપૂર્વક તૂટી પડ્યા હતા.

નાથ ગોસાવી સમુદાયના લોકોએ અને મૃતકોના પરિવારજનોએ પોલીસે નિષ્ક્રિય વલણના વિરોધમાં આજે સાતારા જિલ્લાના કલેક્ટરની કચેરી બહાર દેખાવો કર્યા હતા અને ગુનેગારો સામે પગલાં લેવાની માગણી કરી હતી.

મહારાષ્ટ્રના ગૃહ રાજ્યપ્રધાન દીપક કેસરકરે રાઈનપાડા મુલાકાત લીધી હતી અને ગુનેગારો સામે કડક પગલાં લેવાની ખાતરી આપી હતી.

આ બનાવને વખોડી કાઢતાં મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ અશોક ચવ્હાણે સવાલ કર્યો છે કે મહારાષ્ટ્રમાં કાયદાનું શાસન છે કે જંગલ રાજ છે?

દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે ધુળેમાંનો બનાવ કમનસીબ છે. અમે આ મામલે તપાસ શરૂ કરાવી દીધી છે. અમુક આરોપીઓની ધરપકડ પણ કર છે અને રાજ્ય સરકારે દરેક મૃતકના પરિવારને રૂ. પાંચ-પાંચ લાખ વળતર પેટે ચૂકવવાનો નિર્ણય લીધો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]