મુંબઈમાં લેપ્ટોસ્પાઈરોસીસે ત્રણનો ભોગ લીધો; ડેંગ્યૂ રોગનાં દર્દીઓની સંખ્યા પણ વધી

મુંબઈ – શહેરમાં લેપ્ટોસ્પાઈરોસીસે એક વધુ વ્યક્તિનો ભોગ લીધો છે. આ સાથે આ રોગને કારણે મુંબઈમાં તાજેતરમાં થયેલા મરણનો આંક વધીને 3 થયો છે.

લેપ્ટોની બીમારી દૂષિત પાણીનાં સંસર્ગમાં આવવાથી થાય છે.

જૂન મહિનામાં વરસાદનો આરંભ થયો એને પગલે ફેલાયેલી લેપ્ટોની બીમારીથી ત્રણ જણનાં જાન ગયા છે.

જૂન મહિનાના આખર સુધીમાં મુંબઈમાં લેપ્ટોનાં કુલ પાંચ દર્દીઓ હોવાનું નોંધાયું છે. ગયા વર્ષે જૂનના અંત સુધીમાં કુલ 20 દર્દીઓ નોંધાયા હતા અને માત્ર એકનું જ મરણ નિપજ્યું હતું. આ વર્ષે ત્રણ જણે જીવ ગુમાવ્યો છે.

કુર્લામાં 15 વર્ષના છોકરાનો જ્યારે ગોવંડીમાં ઈમ્તિયાઝ અલી નામના એક માણસનું લેપ્ટોને કારણે મરણ નિપજ્યું છે. મલાડમાં, 21 વર્ષના એક યુવકે પણ પ્રાણ ગુમાવ્યા છે.

મુંબઈમાં ગેસ્ટ્રોની બીમારીના 779 દર્દીઓ નોંધાયા છે અને મેલેરિયાના 356 દર્દીઓ છે. ગયા વર્ષે જૂનની આખરમાં ગેસ્ટ્રોનાં 886 અને મેલેરિયાના 442 દર્દીઓ નોંધાયા હતા.

ગઈ 1-30 જૂન સુધીમાં મુંબઈમાં ડેંગ્યૂ તથા ડેંગ્યૂ જેવા લક્ષણોવાળી તકલીફને લીધે કુલ 297 દર્દીઓને મહાપાલિકાની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. એમાંના 21 જણને ડેંગ્યૂ થયો હોવાનું નિદાન થયું છે.

શું છે લેપ્ટોસ્પાઈરોસીસ?

આ પાણીજન્ય અને બેક્ટેરિયાથી થતી બીમારી છે, જે લેપ્ટોસ્પાઈરા બેક્ટેરિયાથી થાય છે. ચેપગ્રસ્ત પશુ-પ્રાણીઓના પેશાબ મારફત આ બીમારી ફેલાય છે. વરસાદની મોસમમાં આ બીમારી લાગુ પડતી હોય છે. ખૂબ વરસાદ પડે ત્યારે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હોય છે. એવા વિસ્તારોમાં લોકો દૂષિત પાણીમાંથી ચાલતા પસાર થાય તો એમને આ બીમારી લાગુ પડી શકે છે.

આ બીમારી ઉંદરો અને કૂતરાઓ, ખાસ કરીને ઉંદરોનાં મળ-મૂત્ર રસ્તાઓ પર જમા થયેલા પાણીમાં ભળી જાય ત્યારે ફેલાય છે. જ્યારે ઉંદરો પાણીમાં મળ-મૂત્ર પાસ કરે અને ધારો કે કોઈ વ્યક્તિ એ પાણીમાંથી ચાલીને પસાર થાય અને જો એને પગમાં કોઈ ખુલ્લો ઘા થયો હોય એને દૂષિત પાણીના સંસર્ગમાં આવવાને કારણે આ બીમારી લાગુ થવાનું જોખમ સૌથી વધી જાય.

લેપ્ટોસ્પાઈરોસીસનાં લક્ષણો

આ બીમારીનાં લક્ષણો છે – ઊંચો તાવ આવે, સ્નાયૂઓમાં કળતર થાય, પેટમાં દુખાવો થાય, માથામાં સખત દુખાવો થાય, શરીરમાં ઠંડી લાગે, આંખમાં બળતરા થાય, ઉલ્ટીઓ થાય, ઝાળા-ઉલ્ટી થાય, ચામડી પર ઉઝરડા પડવા માંડે. કેટલીક વ્યક્તિને વહેલા તબક્કે કમળો પણ થઈ જાય છે. આ બીમારી જેને લાગુ પડે એ દરેક જણને પાછળથી કમળો થતો જ હોય છે. તમને આવા કોઈ પણ લક્ષણ જણાય તો તરત જ તમારા ડોક્ટરને જઈને ચેક કરાવી લેવું.