મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીઃ ફંડની તંગીથી પરેશાન છે કોંગ્રેસના ઉમેદવારો

મુંબઈ – મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસના ઉમેદવારોને બે મોટી સમસ્યા સતાવી રહી છે – ચૂંટણી ભંડોળ તેમજ પક્ષના સિનિયર નેતાઓના સાથના અભાવની.

અપૂરતા ભંડોળને કારણે કોંગ્રેસના ઉમેદવારોમાં ઉત્સાહ અને જુસ્સાનો અભાવ વર્તાય છે. આવા ઉમેદવારોને પક્ષના મોટા નેતાઓનો સાથ મળતો નથી, તેથી તેઓ પરેશાન છે.

કોંગ્રેસના જે સિનિયર નેતાઓ છે તેઓ પણ પોતપોતાની સીટ બચાવવાની વેતરણમાં પડ્યા છે.

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સામે ટક્કર લઈ શકે એવો કોંગ્રેસ પાસે કોઈ કદાવર નેતા નથી.

કોંગ્રેસના ઉમેદવારોની ચૂંટણીસભાઓને સંબોધિત કરવા માટે કોઈ સિનિયર નેતાઓ આગળ આવતા નથી. આનું કારણ તાજેતરમાં મુંબઈમાં યોજાઈ ગયેલી રાહુલ ગાંધીની એક રેલી છે. એ રેલીમાં મુંબઈ કોંગ્રેસના બે સિનિયર નેતા – મિલિંદ દેવરા અને સંજય નિરુપમની ગેરહાજરી સૌને ઊડીને આંખે વળગી હતી.

આમ તો મુંબઈ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ મિલિંદ દેવરા રાહુલ ગાંધીની નિકટના હોવાનું મનાય છે. તે છતાં રાહુલની રેલીમાં દેવરા ગેરહાજર હતા, પરિણામે અનેક પ્રકારની ચર્ચા ચાલી રહી છે. બીજી બાજુ, દેવરા અને નિરુપમ વચ્ચે પણ સંબંધો વણસી ગયા છે અને એ વાત હવે કોઈનાથી છૂપી રહી નથી.

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં સક્રિય ગતિવિધિથી દૂર રહેનાર માત્ર નિરુપમ અને દેવરા જ કોંગ્રેસના બે સિનિયર નેતા નથી. બીજા ઘણા સિનિયર નેતાઓ પણ મોટા આયોજનોથી અળગાં રહે છે.

અહેવાલો અનુસાર, કોંગ્રેસ પાર્ટી હાલ ચૂંટણીમાં આર્થિક ભંડોળના અભાવથી પરેશાન છે. ઉમેદવારો દુઃખી થઈ ગયા છે. પક્ષના રાજ્ય એકમે ઉમેદવારોને કહી દીધું છે કે એની પાસે ફંડ જરાય ઉપલબ્ધ નથી.

સામાન્ય રીતે, કોંગ્રેસ પાર્ટી તેના પ્રત્યેક ઉમેદવારને ચૂંટણી લડવા માટે આશરે રૂ. 10 લાખ જેટલું ફંડ આપતી હોય છે. પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અમુક ઉમેદવારોએ ચૂંટણીપ્રચાર માટે પક્ષ પાસે મોટરકારો ભાડેથી લેવા માટે પૈસા માગ્યા હતા, પણ નેતાઓએ કહી દીધું કે પાર્ટી પાસે જરાય ફંડ નથી.

કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના ભૂતપૂર્વ પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ પણ પોતાની ભોકર બેઠકમાં પ્રચાર કરવા સુધી સીમિત રહી ગયા છે. એ અન્ય ઉમેદવારોની જાહેરસભાઓને સંબોધિત કરવા જતા નથી. એવી જ રીતે પક્ષના અન્ય સિનિયર નેતાઓ પણ પોતપોતાની જ સીટ પર ધ્યાન કેન્દ્રિત કરીને ચૂંટણી લડી રહ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]