ઉત્તર મુંબઈના ગોવિંદા મંડળે મટકીફોડ ઉત્સવ રદ કર્યો, પૈસા પૂરગ્રસ્તો માટે દાનમાં આપશે

મુંબઈ – મહારાષ્ટ્રમાં આ વર્ષે અનરાધાર વરસાદને પગલે સાંગલી, કોલ્હાપુર જિલ્લાઓ અને તળ કોંકણ ભાગોમાં વિનાશકારી પૂર આવ્યા હતા. ત્યાંના લોકો પારાવાર મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. આ ત્રણ ભાગમાં પૂરની આફતને કારણે રૂ. 15,000 કરોડ જેટલું આર્થિક નુકસાન ગયું છે. આશરે 4.5 લાખ લોકો બેઘર થઈ ગયા છે.

પૂરગ્રસ્તોને મહારાષ્ટ્ર સરકાર તો મદદરૂપ થઈ જ રહી છે, પણ અનેક સામાજિક સંસ્થાઓ, મોટા ધાર્મિક ટ્રસ્ટો પણ મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાં મોટી રકમ દાનમાં આપી રહ્યા છે. આમાં સામેલ થયું છે ઉત્તર મુંબઈમાં બોરીવલી (પૂર્વ) ઉપનગરમાં આવેલા માગાઠાણે વિસ્તારનું એક દહીંહાંડી ઉત્સવ મંડળ પણ આગળ આવ્યું છે. એણે આ વખતે પૂરગ્રસ્તોને ખાતર જન્માષ્ટમી તહેવાર વખતે દહીંહાંડી (મટકીફોડ) ઉત્સવ ન ઉજવવાનું નક્કી કર્યું છે અને એટલું જ નહીં, ઉત્સવ ન યોજીને પૈસાની જે બચત થશે એ રકમ એણે પૂરગ્રસ્તો માટેના રાહતકાર્યોમાં દાનમાં આપવાનો પણ નિર્ણય લીધો છે.

આ નિર્ણય છેલ્લા 13 વર્ષથી માગાઠાણે વિસ્તારના દેવીપાડા મોહલ્લામાં દહીંહાંડી ઉત્સવ ઉજવતા મંડળે લીધો છે, જેની સ્થાપના શિવસેનાના વિધાનસભ્ય પ્રકાશ સુર્વેએ કરી છે. આ વિસ્તારનો દહીંહાંડી ઉત્સવ જાણીતો છે.

માનવપિરામીડ બનાવીને મટકી ફોડીને ઉત્સવ ઉજવતા ગોવિંદા યુવકોના જૂથ/પથક માટે આકર્ષક રોકડ ઈનામો પણ રાખવામાં આવે છે.

વિધાનસભ્ય પ્રકાશ સુર્વેએ કહ્યું છે કે સાંગલી, કોલ્હાપુર અને તળ કોંકણ ભાગોમાં આ વર્ષે આવેલા વિનાશકારી પૂરને કારણે ત્યાંના અસરગ્રસ્ત લોકોનાં પુનર્વસવાટ માટે સામેલ થવું એ સામાજિક જવાબદારી અને કર્તવ્ય ગણીને અમે આ વર્ષનો દહીંહાંડી ઉત્સવ ઉજવવાનું રદ કર્યું છે. એ માટેનું ભંડોળ અમે શિવસેના પૂરગ્રસ્ત સહાયતા ભંડોળ માટે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને સુપરત કરી દઈશું.

સાંગલી અને કોલ્હાપુર જિલ્લાઓમાં પૂરની આફતમાં ઓછામાં ઓછા 54 જણનો ભોગ લીધો છે.