સીતારામનનાં બજેટ-૨૦૧૯માં સસ્તી થનારી વસ્તુઓ કરતાં મોંઘી થનારી ચીજોનું પ્રમાણ વધારે

નવી દિલ્હી – કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે રજૂ કરેલા વર્ષ 2019-20 માટેનાં કેન્દ્રીય બજેટને પગલે કઈ વસ્તુઓ સસ્તી થશે અને કઈ મોંઘી થશે તેના તરફ એક નજર કરીએ.

સસ્તી થનારી વસ્તુઓઃ

• ભારતમાં નિર્મિત ઈલેક્ટ્રોનિક વસ્તુઓઃ

નાણાપ્રધાને ભારતમાં નિર્માણ થતી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પરની કસ્ટમ્સ ડ્યુટી દૂર કરવાની જાહેરાત કરી હોવાથી આ વસ્તુઓ સસ્તી થશે.

• ઈલેક્ટ્રીક વાહનોઃ

આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક વાહનનું મહત્ત્વ સમગ્ર ભારતમાં વધી જવાનું છે. આ બાબતને અનુલક્ષીને નાણાપ્રધાને ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે લેવાયેલી લોન પર દોઢ લાખ રૂપિયા સુધીનું વધારાનું આવકવેરાનું ડિટેકશન આપવાની જાહેરાત કરી છે.આ વાહન માટે લેવાયેલી લોન પૂરી ભરપાઈ થાય ત્યાં સુધીમાં કરદાતાને એકંદરે અઢી લાખ રૂપિયાનો ફાયદો થશે. આ ઉપરાંત, સરકારે ઇલેક્ટ્રીક વાહનો પરનો જીએસટીનો દર ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકાનો કરી દીધો છે.

• ઍપલ કંપનીની પ્રૉડક્ટ્સઃ

સરકારની જાહેરાત મુજબ હવે ઍપલ કંપનીઓની પ્રોડક્ટ્સ ભારતમાં સસ્તી થશે. એ વસ્તુઓ સસ્તી થવાનું કારણ એ છે કે નાણાપ્રધાને સિંગલ બ્રાન્ડ રિટેલ કંપનીઓ માટે સ્થાનિક સ્ત્રોતમાંથી લેવાની વસ્તુઓને લગતા નિયમને હળવો કરવાની જાહેરાત કરી છે

• અન્ય વસ્તુઓઃ

સરકારે લિથિયમ બેટરી અને સોલર ચાર્જર, મોબાઈલ ફોનનાં ચાર્જર, સેટ-ટોપ બોક્સ, જેવી વસ્તુઓના ઉત્પાદન પર રોકાણ સંલગ્ન રાહતો આપી હોવાથી એ વસ્તુઓ પણ સસ્તી થશે.

મોંઘી થનારી વસ્તુઓઃ

• પેટ્રોલ-ડીઝલઃ

બજેટની જોગવાઈઓ મુજબ ભારતમાં દેશમાં સસ્તી થનારી વસ્તુઓ કરતાં મોંઘી જનારી વસ્તુઓનું પ્રમાણ વધારે હશે.એમને મોંઘી કરનાર એક પરિબળ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી તથા રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ છે. સરકારે પેટ્રોલ-ડીઝલના દરેક લિટર દીઠ તેમાંએક રૂપિયાનો વધારો કર્યો છે

• સોનું અને ચાંદી

દેશમાં હવે સોનું પણ મોંઘું થવાની શક્યતા છે. સોનું તથા કીમતી ધાતુઓ પરની કસ્ટમ્સ ડ્યુટી 10 ટકાથી વધારીને 12.5 ટકા કરવામાં આવી છે.

• સિગારેટ સહિત તમાકુ પ્રોડક્ટ્સઃ

તમાકુ પ્રોડક્ટ્સ પણ મોંઘી થશે કારણ કે સરકારે તેના પર બેઝિક એકસાઈઝ ડયુટી લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

• આયાતી પુસ્તકોઃ

ભારતમાં પુસ્તકોનું સ્થાનિક પ્રકાશન અને પ્રિન્ટિંગને પ્રોત્સાહન આપવા અર્થે વિદેશથી આયાત થતાં પુસ્તકો પર પાંચ ટકાની કસ્ટમ્સ ડયુટી લાદવાની જાહેરાત કરી છે. આથી આયાતી પુસ્તકોના ભાવ વધશે.

• સ્ટેનલેસ સ્ટીલઃ

સ્ટેનલેસ સ્ટીલની પ્રોડક્ટ્સના ભાવ પણ વધશે, કારણ કે તેના પરની ડ્યુટી 5થી વધારીને 7.5 ટકા કરવાની દરખાસ્ત છે.

• ઈલેક્ટ્રોનિક વસ્તુઓઃ

ચાર્જર, સીસીટીવી કેમેરાનું ચાર્જર, સીસીટીવી કેમેરા અને કેમેરા જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે. સ્પ્લિટ એસીના ઇનડોર અને આઉટડોર યુનિટના ભાવમાં પણ વધારો સંભવિત છે.

• ઑટો પાર્ટ્સઃ

સરકારે મેક ઇન ઇન્ડિયા પર ખાસ ભાર મૂક્યો હોવાથી વિદેશમાંથી આયાત થતાં ઓટોમોબાઇલ પાર્ટ્સ મોંઘી થવાની શક્યતા છે.

• અન્ય વસ્તુઓઃ

મોંઘી થનારી અન્ય વસ્તુઓમાં કાપડ,ફુલ્લી ઈમ્પોર્ટેડ કાર, ઈમ્પોર્ટેડ પ્લાસ્ટિક, સાબુના ઉત્પાદન માટેની કાચી સામગ્રી, ઓપ્ટિકલ ફાઇબર, સિરામિક ટાઇલ્સ અને વોલ ટાઇલ્સ, કાજુ, સ્પ્લિટ એરકન્ડિશનર્સ, લાઉડસ્પીકર્સ, ટાઈલ્સ, વિનાઈલ ફ્લોરિંગ, ન્યુઝપ્રિન્ટ વસ્તુઓનો સમાવેશ થાય છે.