મુંબઈ – જાણીતા ક્રાઈમ જર્નાલિસ્ટ જ્યોતિર્મય ડે (જે ડે)ની 2011ના જૂનમાં કરાયેલી હત્યાના કેસમાં માફિયા ડોન રાજેન્દ્ર નિખાલ્જે ઉર્ફે છોટા રાજન તથા અન્ય આઠ આરોપીઓને આજે અપરાધી જાહેર કર્યા બાદ સ્પેશિયલ મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) કોર્ટે તમામ 9 જણને આજીવન કેદની સજા ફટકારી છે.
તમામ આરોપીઓને આજે સવારે અપરાધી જાહેર કરાયા બાદ એમને સજાની સુનાવણી કરતા પૂર્વે સ્પેશિયલ MCOCA કોર્ટ જજ સમીર અડકરે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર પ્રદિપ ઘરત અને બચાવ પક્ષના વકીલોની દલીલો કલાકો સુધી સાંભળી હતી.
કોર્ટે દીપક સિસોદીયા સિવાય બાકીના તમામ અપરાધીઓને રૂ. 26-26 લાખનો દંડ ભરવાનો પણ આદેશ આપ્યો છે.
કોર્ટે બે આરોપી – ભૂતપૂર્વ મહિલા પત્રકાર જિજ્ઞા વોરા તથા જોસેફ પૌલસનને નિર્દોષ જાહેર કર્યા છે.
જજે ગેંગસ્ટર છોટા રાજનને જે ડેની હત્યા કરવા અને હત્યાનું ષડયંત્ર રચવા માટે દોષી ગણાવ્યો છે.આપને જણાવી દઈએ કે, પત્રકાર જ્યોતિર્મય ડેની 11 જૂન 2011ના રોજ હત્યા કરવામાં આવી હતી. જેની સાત વર્ષોથી સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાન વર્ષ 2015માં ઈન્ડોનેશિયાથી અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની ધરપકડ કરી તેને ભારત લાવવામાં આવ્યો હતો. ત્યારબાદથી આ કેસની સુનાવણી વધુ ઝડપી થઈ હતી. છોટા રાજન હાલમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. જેને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મકોકો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
આ કેસમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજન અને પત્રકાર જિજ્ઞા વોરા સહિત 12 લોકોને ઓરોપી બનાવવામાં આવ્યા હતા. જેમાંથી એક આરોપી વિનોદ અસરાનીનું મોત થઈ ચૂક્યું છે. આ કેસમાં સરકારી વકીલે 155 સાક્ષીઓ રજૂ કર્યા હતા. આ સંદર્ભમાં છોટા રાજનનું જે વોઈસ સેમ્પલ લેવામાં આવ્યું હતું, તે પણ મેચ થયું છે.
કહેવાય છે કે, પત્રકાર જે ડેની હત્યા બાદ જ્યારે હોબાળો શરુ થયો ત્યારે છોટા રાજને અનેક ન્યૂઝ ચેનલોમાં ફોન કર્યા હતાં અને સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, તે ફક્ત જે ડેને ધમકાવવા માગતો હતો. તેનો ઈરાદો પત્રકાર જે ડેની હત્યા કરવાનો નહતો. પ્રોસિક્યૂશને આ રેકોર્ડિંગને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કર્યાં છે.