ઈન્ડીગો વિમાનનું ટેક ઓફ્ફ બાદ કલાકે મુંબઈ એરપોર્ટ પર તાકીદે ઉતરાણ

મુંબઈ – અહીંના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ગઈ કાલે દુબઈ માટે રવાના થયાના એકાદ કલાક બાદ ઈન્ડીગોના એક વિમાનનું મુંબઈ એરપોર્ટ ખાતે તાકીદનું ઉતરાણ કરાવવું પડ્યું હતું.

વિમાનમાં 184 પ્રવાસીઓ હતા. વિમાનના કાર્ગોમાં ધૂમાડો નીકળતો હોવાની ચેતવણી મળતાં વિમાનને મુંબઈ એરપોર્ટ તરફ પાછું વાળી ત્યાં એને તાકીદે લેન્ડ કરાવવું પડ્યું હતું.

બાદમાં માલૂમ પડ્યું હતું કે ધૂમાડાની એ ચેતવણી પોકળ હતી. વિમાનમાં ક્યાંયથી કોઈ પ્રકારનો ધૂમાડો નીકળ્યો નહોતો. વિમાને જોકે મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું હતું.

એરબસ A320 વિમાન બુધવારે રાતે 8.15 વાગ્યે મુંબઈથી રવાના થયું હતું અને લગભગ 9.15 વાગ્યે એણે મુંબઈ એરપોર્ટના મુખ્ય રનવે પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.