મુંબઈ – દક્ષિણ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલી એચડીએફસી બેન્કના અધિકારીઓએ એમની બેન્કની ઓફિસના મુખ્ય પ્રવેશદ્વારની બહાર બાજુમાં પોતાની જ ઓફિસના ફૂટપાથને અડીને આવેલા ઓટલા પર રોજ રાતે સૂઈ જતા બેઘર લોકોને રોકવા માટે એક અઘોરી-તુઘલકી ઉપાય અજમાવ્યો હતો.
બેન્કે ઓફિસની બહારના પગથિયાઓ પર લાંબા ધારદાર ખિલ્લાઓ બેસાડવ્યા હતા. એ ખિલ્લાઓવાળી તસવીરો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર બેન્કની આકરી ટીકા કરવામાં આવી રહી છે.
આજે સવારે જ બેન્કની ફોર્ટ બ્રાન્ચના મેનેજરે તાત્કાલિક આદેશ આપીને એ ખિલ્લાઓ કઢાવી નાખ્યા હતા.
બેન્કે એક ટ્વીટમાં એમ જણાવ્યું છે કે, તાજેતરના રીનોવેશનના ભાગરૂપે અમે એ ખિલ્લાઓ ઈન્સ્ટોલ કરાવ્યા હતા, પરંતુ જાહેરજનતાને પડેલી અગવડ બદલ અમે ખેદ વ્યક્ત કરીએ છીએ અને એ ખિલ્લાઓને તાત્કાલિક કઢાવી નાખીએ છીએ.
બેન્કે આ ખિલ્લાઓ બેસાડાવ્યા બાદ સિમોન મુંડે નામના એક વ્યક્તિએ એની તસવીર ઝડપીને પોતાના ટ્વિટર પેજ પર અપલોડ કરી હતી. એ સાથે જ એ ફોટો વાયરલ થયો હતો અને ટ્વિટર યૂઝર્સે તીવ્ર રીતે પ્રત્યાઘાત આપવા માંડ્યા હતા. લગભગ બધા જ લોકોએ બેન્કની આકરાં શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. લોકોએ કહ્યું કે બેઘરોને સૂતાં રોકવા માટે બેન્કે ખિલ્લાઓ ઈન્સ્ટોલ કરાવ્યા છે, પણ એકાદ જણ ભૂલથી એ ખિલ્લાઓ પર પડે અને એનો જાન જતો રહે કે એને ગંભીર રીતે ઈજા થાય તો જવાબદાર કોણ ગણાશે?
એક અન્ય જણે લખ્યું હતું કે બેઘર લોકો વિશે આ બેન્કનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ થઈ ગયો છે. ફૂટપાથ પર ચાલતી વખતે ગિરદી હોય છે ત્યારે કોઈ વ્યક્તિ ધક્કો લાગવાથી, બેલેન્સ ગુમાઈ જતાં ભૂલથી પણ એ ખિલ્લાઓ પર પડી જાય તો એને ઘણી ઈજા થાય. એવું થાય તો જવાબદાર કોણ?