‘વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019’ સંદર્ભે વિજય રૂપાણી આજે મુંબઈમાં

મુંબઈ – ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આવતી કાલે સોમવારે 26 નવેમ્બરે મુંબઈની મુલાકાતે આવશે અને ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019’ સંદર્ભમાં રોડ-શો યોજશે.

રૂપાણી સોમવારે દિવસ દરમ્યાન દક્ષિણ મુંબઈની ટ્રાઈડેન્ટ હોટેલ ખાતે ઉદ્યોગજગતના 15થી વધુ આગેવાનો તેમજ અગ્રણી ઉદ્યોગસંચાલકો સાથે વ્યક્તિગત બેઠક યોજશે.

આ કાર્યક્રમ સોમવારે સવારે 11 વાગ્યે યોજાશે. આ રોડ-શો માં રૂપાણી વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019ની વિશેષતાઓ તેમજ ગુજરાતની વિવિધ સિદ્ધિઓની રૂપરેખા રજૂ કરશે.

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019, જે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની 9મી આવૃત્તિ હશે, તે આવતા વર્ષની 18-19-20 જાન્યુઆરીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવનાર છે.

રૂપાણી તથા ગુજરાતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે મુંબઈમાં 20 જેટલા દેશોના કોન્સલ જનરલો સાથે લંચનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

રૂપાણી સાથે ગુજરાતના મુખ્ય સચિવ ડો. જે.એન. સિંહ તેમજ ઉદ્યોગ, નાણાં સહિતના વિભાગોનાં વરિષ્ઠ સચિવો પણ જોડાવાના છે.

રૂપાણી મુંબઈમાં વસતા કચ્છી સમાજના વેપાર-ઉદ્યોગકારો સાથે પણ બેઠક યોજવાના છે અને કચ્છમાં સર્જાયેલી અછતની સ્થિતિનો સામનો કરવા માટે રાજ્ય સરકારના આયોજનોની જાણકારી આપવાના છે.

રૂપાણી સોમવારે મોડી સાંજે ગાંધીનગર પરત ફરશે.