750 કિ.ગ્રા. કાંદા વેચ્યા, મળ્યા માત્ર રૂ. 1,064; કિસાને પૈસા પીએમ મોદીને મોકલી આપ્યા

મુંબઈ – મહારાષ્ટ્રમાં કાંદાની ખેતી કરનાર એક ખેડૂતે એના ખેતરમાં જે કાંદા ઉગાડ્યા હતા એ જ્યારે તે વેચવા ગયો ત્યારે એને માત્ર પ્રતિ કિલોગ્રામ માત્ર એક રૂપિયો મળ્યો હતો. નારાજ થઈને અને પોતાને આટલી મામુલી કમાણી થવા સામે વિરોધ વ્યક્ત કરવા એણે કમાણીના પૈસા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી દીધા હતા.

સંજય સાઠે નામનો ખેડૂત નાશિક જિલ્લાના નિફાડ તાલુકામાં રહે છે. આ જ સંજય સાઠેની પસંદગી 2010માં તે વખતના યુએસ પ્રમુખ બરાક ઓબામા ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે એમની સાથે વાર્તાલાપ માટે કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલયે કરી હતી.

સાઠેએ કહ્યું છે કે મેં આ મોસમમાં 750 કિલોગ્રામ કાંદા ઉગાડ્યા હતા, પણ મને ગયા અઠવાડિયે નિફાડ હોલસેલ માર્કેટમાં પ્રતિ કિલોગ્રામ માત્ર એક રૂપિયાનો ભાવ મળ્યો હતો. છેવટે મને પ્રતિ કિલોગ્રામ રૂ. 1.40નો ભાવ આપવાનું નક્કી થયું હતું અને મને 750 કિલોગ્રામ કાંદા માટે મળ્યા હતા માત્ર રૂ. 1,064.

સાઠેએ કહ્યું કે ચાર મહિના સુધી ખેતી-મહેનત કર્યા બાદ સાવ આટલું મામુલી આર્થિક વળતર મળે એ બહુ દુઃખદાયક કહેવાય. તેથી મેં મારી સઘળી રૂ. 1,064 રકમ વિરોધ દર્શાવવા માટે વડા પ્રધાન કાર્યાલયના કુદરતી આફત રાહત ભંડોળમાં દાનમાં આપી દીધી છે.

સાઠેએ આ રકમ મની ઓર્ડર મારફત મોકલી આપી, પણ એ માટે એમને 54 રૂપિયા અતિરિક્ત ચૂકવવા પડ્યા હતા.

સાઠેએ કહ્યું કે હું કોઈ રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ કરતો નથી. પણ અમારા ખેડૂતોની તકલીફો પ્રત્યે સરકારના ઉદાસીન વલણને કારણે હું ગુસ્સે થયો છું.

સાઠેએ 29 નવેંબરે ભારતીય ટપાલવિભાગની નિફાડ કચેરીમાંથી મની ઓર્ડર મોકલ્યો હતો. એની પર તેણે ‘નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી ભારત’ સરનામું લખ્યું હતું.

ભારતમાં કાંદાનું જેટલું ઉત્પાદન થાય છે એનો 50 ટકા હિસ્સો ઉત્તર મહારાષ્ટ્રમાં આવેલા નાશિક જિલ્લાનો છે.