નવી મુંબઈ પોલીસે નકલી કોલ સેન્ટરનું કૌભાંડ પકડ્યું, 8 યુવકની ધરપકડ કરી

મુંબઈ – નવી મુંબઈ પોલીસના સાઈબર સેલના અધિકારીઓએ એક નકલી વીમા કંપની શરૂ કરનાર અને તે દ્વારા છેલ્લા બે વર્ષમાં 100 જણને લોન અપાવવાનું વચન આપીને એમની સાથે રૂ. 1 કરોડ જેટલી રકમની છેતરપીંડી કરવા બદલ 8 જણની ધરપકડ કરી છે.

ધ હિન્દુના અહેવાલ મુજબ, આ આરોપીઓના નામ છેઃ સુનીત સુરેશ સાવંત (24), રાહુલ રવિન્દ્ર વૈરાલ (26), પ્રશાંત વિઠ્ઠલ લોટિયાં (28), પ્રવીણ સાગર નિમ્બાલકર (28), વિક્રાંત અરૂણ ગજમલ (29), રોહિત રાજેન્દ્ર પારતે (29), નિલેશ દિનકર પડવાલે (31) અને પરેશ પ્રમોદ દરીપકર (34). આ તમામની ધરપકડ ગઈ 4 એપ્રિલે કરવામાં આવી હતી.

પોલીસનું કહેવું છે કે તમામ આરોપીઓ મુંબઈના વિક્રોલી ઉપનગરમાં બીએમએ વેલ્થ ક્રીએટર્સ લિમિટેડના વીમા વિભાગના ભૂતપૂર્વ કર્મચારીઓ છે.

ગ્રાહકોને સંભાળવાનો આ આરોપીને સારો એવો અનુભવ હતો. એમની પાસેથી સંભવિત ક્લાયન્ટ્સનો ડેટાબેઝ પણ મળી આવ્યો છે. એમને એવું જણાયું હતું કે એમનો પગાર ઓછો છે એટલે એમણે એક નકલી કોલ સેન્ટર શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.

આરોપીઓએ મુંબઈના ભાંડુપ ઉપનગરમાં ડ્રીમ્સ મોલ ખાતે મહિને રૂ. 25000ના ભાડા પર એક ઓફિસ સ્પેસ મેળવી હતી. આરોપીઓ લોકોને ફોન કરતા હતા અને બજાજ અલાયન્ઝ અને ઈન્ડિયા ફર્સ્ટ જેવી નામાંકિત ફાઈનાન્સ કંપનીઓ પાસેથી પ્રી-અપ્રુવ્ડ લોન અપાવવાનું વચન આપતા હતા.

ગઈ 3 એપ્રિલે, એમના બે ગ્રાહક – ગણપત મ્હાત્રે (નવી મુંબઈના ખારઘરના રહેવાસી) અને કરણ મ્હાત્રે (નવી મુંબઈના ઉરણના રહેવાસી)એ નવી મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને એવો દાવો કર્યો હતો કે આરોપીઓએ એમની સાથે અનુક્રમે રૂ. 1.10 લાખ અને રૂ. 4.37 લાખની રકમની છેતરપીંડી કરી છે.

ફરિયાદીઓએ કહ્યું કે એક આરોપીએ પોતાને બજાજ ફાઈનાન્સના રાહુલ બજાજ તરીકે પોતાને ઓળખાવ્યો હતો અને કહ્યું હતું કે અમે પ્રી-અપ્રુવ્ડ બિઝનેસ લોન મેળવવા માટે પાત્ર છો. એ માટે અમારે લોન માટે સિક્યુરિટી તરીકે એક વીમા પોલિસી લેવાની રહેશે.

ફરિયાદીઓને NEFT સોદા સુવિધા મારફત વીમા પોલિસીની ફી, પ્રોસેસિંગ ફી અને સિક્યુરિટી ડિપોઝીટ ચૂકવવાનું કહેવાયું હતું. ફરિયાદીઓએ એમનો PAN કાર્ડ તથા આધાર કાર્ડની વિગતો વોટ્સએપ મારફત આરોપીને આપી હતી. પૈસા મળી ગયા બાદ આરોપીએ SIM કાર્ડ ડિસ્કાર્ડ કરી નાખ્યું હતું અને એમની સાથે સંપર્ક કરવાનું બંધ કરી દીધું હતું. આરોપીઓએ બાદમાં અન્ય SIM કાર્ડનો ઉપયોગ કર્યો હતો અને બીજા લોકોને ટાર્ગેટ બનાવ્યા હતા.

ટેકનિકલ પુરાવાની મદદથી સાઈબર સેલના અધિકારીઓએ ગઈ 4 એપ્રિલે આરોપીઓની ઓફિસ પર દરોડો પાડ્યો હતો અને એમની પાસેથી 3 લેપટોપ, 20 મોબાઈલ ફોન, એક કમ્પ્યુટર અને રૂ. 30 હજારની રોકડ રકમ કબજે કરી હતી.

પોલીસે કહ્યું કે આરોપીઓએ ઉત્તર પ્રદેશના નોઈડામાં બેન્કોમાં 30 જેટલા ખાતા ખોલાવ્યા હતા. એમણે મુંબઈ, થાણે, ઉલ્હાસનગર, જળગાંવ, પુણે, સોલાપુર, અકોલા, રાયગડ અને યવતમાલનાં લોકોને છેતર્યા હતા.

આરોપીઓ સામે ઈન્ડિયન પીનલ કોડની કલમો 65, 468, 471, 420 અને 34 તેમજ ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી એક્ટની કલમ 66(સી) અંતર્ગત આરોપ મૂક્યો છે.