મોદી-ભાજપની નિષ્ફળતાઓ પરથી લોકોનું ધ્યાન બીજે દોરવા ચૂંટણી પૂર્વે પુલવામા જેવો બીજો હુમલો થઈ શકે છેઃ રાજ ઠાકરે

મુંબઈ – મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના સ્થાપક પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું છે કે એમને એવું લાગે છે કે લોકસભાની ચૂંટણી પહેલાં દેશમાં પુલવામા ટાઈપનો એક વધુ ટેરર હુમલો કરવામાં આવી શકે છે.

રાજ ઠાકરેએ આ શનિવારે અહીં એમની પાર્ટીના 13મા સ્થાપના દિન નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું.

ઠાકરેએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી પોતાની સમસ્યાઓ અને નિષ્ફળતાઓથી લોકોનું ધ્યાન બીજે દોરવા માટે પુલવામા જેવો હુમલો કરાવે એવી શક્યતા છે.

ઠાકરેએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે ભાજપ ચૂંટણીના રાજકારણ માટે સૈનિકોનો ઉપયોગ કરે છે.

જમ્મુ અને કશ્મીર રાજ્યના પુલવામા જિલ્લામાં ગઈ 14 ફેબ્રુઆરીએ કરવામાં આવેલા આત્મઘાતી આતંકવાદી કાર-બોમ્બ વિસ્ફોટમાં અર્ધલશ્કરી દળ સીઆરપીએફના 40 જવાન માર્યા ગયા હતા. એક સુસાઈડ બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલી એની કારને સીઆરપીએફના કાફલામાંની એક બસ સાથે અથડાવી મારતાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો.

બાલાકોટ હવાઈ હુમલાઓમાં માર્યા ગયેલા ત્રાસવાદીઓ વિશે ભાજપ પ્રમુખ અમિત શાહે આપેલા આંકડાની ટીકા કરતાં રાજ ઠાકરેએ કહ્યું કે શું અમિત શાહે હુમલાઓમાં સહ-પાઈલટ તરીકે ભાગ લીધો હતો?

હવાઈ હુમલાઓમાં મોટા પાયે ત્રાસવાદી અડ્ડાઓનો નાશ કરી દેવાયો હોવાના ભારત સરકારના દાવાને ફગાવી દેતાં રાજ ઠાકરેએ કહ્યું કે જો એવું બન્યું હોત તો વિન્ગ કમાન્ડર અભિનંદન વર્તમાનને પાકિસ્તાન જીવતો પાછા આવવા ન દેત.

જૂઠ્ઠું બોલવાની પણ કોઈ હદ હોવી જોઈએ. ચૂંટણીઓ જીતવા માટે જૂઠ્ઠું બોલવામાં આવતું હોય છે. આગામી ચૂંટણી જીતવા માટે એકાદ-બે મહિનામાં પુલવામા ટાઈપનો એક બીજો હુમલો કરવામાં આવી શકે છે, એમ પણ ઠાકરેએ કહ્યું હતું.

રામ મંદિર બાંધકામ, ભાગેડૂ માફિયા ડોન દાઉદ ઈબ્રાહિમ કાસકરને પાછો લાવવા સહિતના મુદ્દાઓ વિશે શાસક ભાજપ અને વડા પ્રધાન મોદીની તમામ નીતિઓ નિષ્ફળ ગઈ છે. ભાજપ અને મોદીની નિષ્ફળતાઓ પરથી લોકોનું ધ્યાન બીજે દોરવા માટે જ પુલવામા હુમલો કરવામાં આવ્યો હતો, એમ રાજ ઠાકરેએ વધુમાં કહ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]