રાજ ઠાકરેને EDની નોટિસ; 22મી ઓગસ્ટે ઘરની બહાર ન નીકળવાની મુંબઈવાસીઓને MNSની ચેતવણી

મુંબઈ – એક કેસના સંબંધમાં 22 ઓગસ્ટના ગુરુવારે એક તપાસનીશ અધિકારી સમક્ષ હાજર થવાનું ફરમાન કરતી એક નોટિસ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) તરફથી આપવામાં આવી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, આ નોટિસને પગલે ઠાકરેની પાર્ટીએ મુંબઈના રહેવાસીઓ જોગ એક ચેતવણી ઈસ્યૂ કરી છે કે એમણે ગુરુવારે ખાસ કામ ન હોય તો ઘરની બહાર નીકળવું નહીં.

આ જ કેસના સંબંધમાં રાજ ઠાકરે ઉપરાંત મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શાસક યુતિના સહયોગી પક્ષ શિવસેનાનાં વરિષ્ઠ નેતા મનોહર જોશીના પુત્ર ઉન્મેશ જોશીને પણ ઈડી એજન્સી તરફથી નોટિસ મોકલવામાં આવી હતી.

આ કેસ કોહિનૂર CTNL કંપનીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસીસ (IL&FS) ગ્રુપે કરેલા રૂ. 860 કરોડની રકમની લોન અને ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટને લગતો છે. કોહિનૂર CTNL કંપની ઉન્મેશ જોશીએ પ્રમોટ કરી છે. કોહિનૂર કંપની ડિફોલ્ટર છે. તે દાદર ઉપનગરમાં કોહિનૂર સ્ક્વેર ટાવર્સ બાંધી રહી છે. ઈડી એજન્સી દ્વારા IL&FS કંપનીના અમુક કેસોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે એની સમક્ષ કોહિનૂર સીટીએનએલ કંપનીનું નામ આવ્યું હતું. તેથી એણે જોશીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. જોશી આજે ઈડી સમક્ષ હાજર થયા હતા. હવે ઈડી અધિકારીઓએ કોહિનૂર સીટીએનએલ સાથે સંકળાયેલી વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી છે. રાજ ઠાકરે, ઉન્મેદ જોશી તથા અન્યએ મળીને એક કન્સોર્ટિયમ બનાવ્યું હતું.

IL&FS કંપનીએ કોહિનૂર સીટીએનએલમાં કરોડો રૂપિયાનું ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને કોહિનૂરને લોન પણ આપી હતી. 2008માં કોહિનૂર સીટીએનએલ કંપનીએ આર્થિક ખોટ કરતાં રાજ ઠાકરેએ તે ગ્રુપને છોડી દીધું હતું. કોહિનૂર કંપનીએ પોતાની તમામ સંપત્તિ વેચીને રૂ. 500 કરોડ ઊભા કરીને દેવું ચૂકવવા માટે એક સમજૂતી કરી હતી, પણ અગાઉનું દેવું વસુલ કરવાનું બાકી હોવા છતાં IL&FS કંપનીએ કોહિનૂરને ફરી 135 કરોડનું ફંડિંગ કર્યું હતું.

ઈડી એજન્સીના અધિકારીઓને શંકા છે કે આ સોદાઓમાં ક્યાંક મની લોન્ડ્રિંગ થયું હતું.

મનસે પાર્ટીના કાર્યકર્તા સંદીપ દેશપાંડેએ કહ્યું છે કે રાજ ઠાકરેને નોટિસ મોકલવાના સરકારના નિર્ણયના વિરોધમાં એમની પાર્ટી 21 ઓગસ્ટે દેખાવો કરશે. અમુક કાર્યકર્તાઓએ 22 ઓગસ્ટે પડોશના થાણે જિલ્લામાં બંધનું એલાન કર્યું છે.

દેશપાંડેએ કહ્યું છે કે ગુરુવારે જો મનસેના કાર્યકર્તાઓની લાગણી ભડકશે તો પાર્ટી જવાબદાર ગણાશે નહીં. એટલે મુંબઈમાં લોકોએ એ દિવસે ખાસ કામ વગર ઘરની બહાર નીકળવું નહીં.

મનસે પાર્ટીએ આ મુદ્દે ચર્ચા કરવા માટે રાજ્યભરના વિભાગ પ્રમુખોની મંગળવારે એક બેઠક પણ બોલાવી છે.
રાજ ઠાકરે ગુરુવારે ઈડીના મુખ્યાલયે જશે ત્યારે એમના સમર્થનમાં પક્ષના રાજ્યભરના કાર્યકરો મુંબઈમાં એકત્ર થશે.

તો સરકાર પગલું ભરશેઃ દેવેન્દ્ર ફડણવીસ

22 ઓગસ્ટે મનસે દ્વારા થાણે બંધના કરાયેલા એલાન અંગે પૂછતાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે જો લોકો કાયદો એમના હાથમાં લેશે તો સરકાર પગલું ભરશે.

કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ બાલાસાહેબ થોરાત અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા ધનંજય મુંડેએ ઈડી એજન્સી દ્વારા ઠાકરેને મોકલવામાં આવેલી નોટિસ અંગે ગુસ્સો વ્યક્ત કર્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]